ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ 100થી વધુ કેસના વધારા બાદ બુધવારે એક જ દિવસમાં બમણાં એટલે કે 407 કેસ નોંધાયાં હતાં. સૌથી વધુ કેસ અમદાવાદમાં 207 કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્યમંત્રી ત્રષિકેશ પટેલે પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની માહિતી ટ્વિટ કરીને આપી હતી. જેમાં તેમણે કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હોવાથી ડોકટરની સલાહ મુજબ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર શરૂ કરાવી છે. તેમજ સંપર્કમાં આવેલા તમામ મિત્રોને કાળજી રાખવા માટે વિનંતી છે. કોઇ શંકાસ્પદ લક્ષણ દેખાય તો તત્કાલ ટેસ્ટ કરાવવા માટે પણ અપીલ કરી હતી.
ગુજરાતમાં કોરોના કેસમાં વધારાની સાથે સાજાં થનારાં દરદીઓનો આંકડો પણ વધ્યો છે. 190 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,806 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 55,638 રસીના ડોઝ અપાયા હતા.
ગુજરાતમાં બુધવારની સાંજની સ્થિતિએ કુલ 1741 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1737 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,806 નાગરિકો હરાવી ચુક્યાં છે. જ્યારે 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે બુધવારે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નહોતુ. એક દિવસમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 207, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન 39, સુરત મ્યુનિ. કોર્પોરેશન 45, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં 17, સુરત જિલ્લામાં 12, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનમાં 11, ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન 10, વલસાડ 8, ભરૂચ 7, જામનગર મ્યુનિ. કોર્પોરેશનમાં 7, આણંદ-ગાંધીનગર 6-6, સાબરકાંઠા 5, બનાસકાંઠા, કચ્છ અને મહેસાણામાં 4-4, અમદાવાદ અને રાજકોટ જિલ્લામાં 3-3, જામનગર, નવસારી, વડોદરામાં 2-2, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા હતાં.