ગાંધીનગરઃ સરકાર દ્વારા જુના વાહનોના સ્ક્રેપ માટે પોલીસી બનાવી રહી છે. ગુજરાતમાં 70 પ્રકારના વાહનોની નોંધણી થાય છે. તેમાં કુલ 2 કરોડ 28 લાખ 64 હજાર 144 વાહનો નોંધાયેલા છે. નોંધાયેલા વાહનો પૈકી 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોની સંખ્યા 41 લાખ 20 હજાર 451 છે. 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા હોય તેવા વાહનોમાં 26 લાખ 45 હજાર 959 મોટર સાયકલ, 6 લાખ 34 હજાર કાર, 1 લાખ 11 હજાર 552 ટ્રેક્ટર, 1 લાખ 43 હજાર 153 થ્રી વ્હીલર, 41 હજાર 827 થ્રી વ્હીલર ગુડ્સ અને 1 લાખ 76 હજાર 498 ટ્રકનો સમાવેશ થાય છે. 15 વર્ષ કે તેથી વધુ સમયથી નોંધાયેલા વાહનોને સ્ક્રેપ કરવાની પોલીસી આગામી એકાદ મહિનામાં ઘડી કઢાશે.ગુજરાતમાં 15 વર્ષથી જુના હોય તેવા 41 લાખ 20 હજાર 451 વાહનો સ્ક્રેપમાં જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પોલ્યુશન ઘટાડવા માટે વર્ષો જુના વાહનો ભંગારમાં આપવાની સરકાર પોલીસી બનાવી રહી છે. આ પોલિસીમાં 15 અને 20 વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપમાં આપવી પડશે. કોમર્શિયલ ગાડીઓને 15 વર્ષ પછી અને પ્રાઈવેટ વાહનોને 20 વર્ષ પછી સ્ક્રેપ જાહેર કરવામાં આવશે. આટલા સમય પછી કારનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ જશે. આ સંજોગોમાં એને સ્ક્રેપમાં આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બાકી રહેશે નહીં. આ પોલિસીને કારણે કાર-માલિકને કેશની સાથે સરકાર તરફથી નવી કાર ખરીદવામાં સબસિડી પણ મળશે. જો તમારી પાસે વાહન છે અને એ 15થી 20 વર્ષ જૂની થઈ ગઈ છે. તો એને ચોક્ક્સ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે.
કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેન કાર્ડ, આધાર કાર્ડ પણ દર્શાવવાં પડશે. તમારી કાર સ્ક્રેપ કરતાં અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત ગાડીને એની ઉંમર જોઈને જ સ્ક્રેપ નહીં કરાય, પરંતુ તેના ફિટનેસ સર્ટિફિકેટમાં જો એ અનફિટ સાબિત થશે તો પણ એને સ્ક્રેપ કરવામાં આવશે.