Site icon Revoi.in

કુવૈતની બહુમાળી ઈમારતમાં લાગેલી આગમાં 41 વ્યક્તિના મોત, ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

Social Share

 નવી દિલ્હીઃ કુવૈતમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જેમાં ઘણા ભારતીયો પણ સામેલ હોવાનું જાણવા મળે છે. કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં સવારે છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી હતી. જે બિલ્ડિંગમાં આ ભીષણ આગ લાગી ત્યાં 160 લોકો હાજર હતા અને તે બધા એક જ સંસ્થામાં કામ કરે છે. એવું કહેવામાં આવ્યું છે કે આમાંના ઘણા મજૂરો ભારતના રહેવાસી હતા. દરમિયાન કુવૈતમાં ભારતીય દૂતાવાસે આ અંગે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, આ આગમાં ભારતીયોના મોતની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર +965-65505246 પર સંપર્ક કરી શકાય છે. એમ્બેસી દ્વારા દરેક શક્ય મદદની જાહેરાત કરવામાં આવી છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, ‘કુવૈતમાં આગની ઘટનાથી હું દુઃખી છું. આ ઘટનામાં 40 લોકોના મોત અને 50 લોકો હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર છે. અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.’ તેમણે આશા વ્યક્ત કરી કે જેઓ ઘાયલ થયા છે તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. કુવૈતમાં લગભગ 10 લાખ ભારતીયો રહે છે, જેમાંથી લગભગ 9 લાખ ભારતીયો ત્યાં કામ કરે છે. કુવૈતના ગૃહ પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે પોલીસને મંગાફમાં બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, આ દુર્ઘટના માટે કંપની અને બિલ્ડિંગના માલિક જવાબદાર છે. તેમણે કુવૈત પ્રશાસન અને નગરપાલિકાને આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.