Site icon Revoi.in

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 417 ક્વિન્ટલ આવક, 1000થી લઈ 2800નો મણનો ભાવ બોલાયો

Social Share

જુનાગઢ: ગીર પંથકમાં આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને અસર પહોંચી હતી. તેના કારણે કેસર કેરીના પાકની આવક દર વર્ષની તુલના ઘટી છે, સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, તલાળા સહિતના યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે. જેમાં જુનાગઢના યાર્ડમાં સોમવારે કેસર કેરીની આવક 417 ક્વિન્ટલ થઈ હતી. જેમાં એક મણ કેસર કેરીનો ઊંચો ભાવ 2800  બોલાયો હતો. જ્યારે એક મણ કેરીનો નીચો ભાવ 1000 રૂપિયા નોંધાયો હતો.

જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થતાં ગીર સોમનાથ જિલ્લાના ખેડુતો પણ કેરી વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે. યાર્ડમાં કેસર કેરી અને અન્ય કેરીની સરેરાશ આવક 100 થી 500 ક્વિન્ટલની સરેરાશ આવક થઈ રહી હતી. પરંતુ 18 એપ્રિલે કેરીની આવક 1883 ક્વિન્ટલ નોંધાઈ હતી. આ વખતે કેરીના વધુ ભાવ બોલાય રહ્યા છે. ગત તા. 9મી એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો એક ક્વિન્ટલનો 4000 રૂપિયા ભાવ નોંધાયો હતો. આ સાથે 8 એપ્રિલે ₹3,600 અને 12 એપ્રિલે ₹ 3800  ક્વિન્ટલનો ભાવ નોંધાયો હતો. અત્યારે હાલમાં માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે વાત કરવામાં આવે તો એક બોક્સના 1000 થી 1400 સુધીનો ભાવ નોંધાવી રહ્યો છે પરંતુ તે જ કેરી જ્યારે બજારમાં આવે છે ત્યારે આ બોક્સના ભાવ 2000 થી 2500 સુધી જઈ રહ્યા છે એટલે હજી કેરીની આવક ઓછી છે તેથી ભાવ ખૂબ વધારે નોંધાઈ રહ્યા છે.

જુનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વલસાડની કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે આ વખતે કેસર કેરીની આવક 20 થી 25 દિવસ મોડી છે, આગામી ચારથી પાંચ દિવસમાં આ કેસર કેરીની આવક વધશે તેથી તેના ભાવ ઘટશે એવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.