- જુનો હાટકેશ્વર બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરાશે,
- નવિનીકરણમાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ,
- વિવાદોમાં સપડાયેલો હાટકેશ્વર બ્રિજ અગાઉ 40 કરોડમાં બનાવાયો હતો
અમદાવાદઃ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રૂપિયા 40 કરોડના ખર્ચે નવો બનાવેલો બ્રિજ તૂટી જતા છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજના નબળા બાંધકામને લીધે ભારે વિરોધ થયો હતો. અને લોક આંદોલનો પણ થયા હતા. આખરે મ્યુનિ.કોર્પોરેશને બ્રિજ તોડીને નવો બનાવવાનો નિર્ણય લીધે હતો. હવે બ્રિજ તોડવા માટે રૂપિયા 52 કરોડનો ખર્ચ કરાશે અને નવો બ્રિજ બનાવવા 42 કરોડ ખર્ચાશે.
અમદાવાદ શહેરમાં હાટકેશ્વરનો નવો બનાવેલો બ્રિજ તૂટી જતાં એના નબળા બાંધકામને લીધે વિવાદ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ ક્ષતિગ્રસ્ત જુના બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાની માગ કરી હતી, દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કે, આગામી 15 દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવાની વહીવટી પ્રક્રિયા શરૂ થશે. એક કોન્ટ્રાકટરે રસ દાખવતા કામગીરી શરૂ થશે. જોકે બ્રિજના નવીણીકરણમાં ઘાટ કરતા ઘડામણ મોંઘાનો ઘાટ સર્જાયો છે. હાટકેશ્વર બ્રિજ બનાવવા અંદાજિત 42 કરોડનો ખર્ચ થશે, પરંતું જૂનો બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ લાગશે.
હાટકેશ્વરનો જૂનો બ્રિજ 40 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યો હતો. હાલ આ બ્રિજ ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. બ્રિજ પર અવરજવર બંધ કરાઈ છે. બ્રિજ માટે વારંવાર ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામગીરી કરવા માટે કોઈ કોન્ટ્રાકટર તૈયાર થતા ન હતા ત્યારે એએમસી દ્વારા ચોથી વખત બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં રાજસ્થાનની એક પાર્ટીએ જ ટેન્ડર ભર્યું છે અને આ ટેન્ડર ક્વોલિફાઈ થઈ ગયું છે. નવીનીકરણના ત્રણ વર્ષમાં જ બ્રિજને તોડી પાડવામા આવશે. પરંતું હાલ ચર્ચા એ છે કે, નવા બ્રિજ માટે અંદાજિત 42 કરોડનો ખર્ચ આંકવામા આવ્યો છે. પરંતું બનેલો આ બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરાશે.