- 3 મહિનામાં 8597 લોકોએ કર્યુ પ્લાઝમા દાન
- કોવિડના દર્દીઓની સારવાર ઉપયોગમાં લેવાય છે પ્લાઝમા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. કોરોના પીડિત દર્દીને પ્લાઝમા આશિર્વાદ સમાન હોવાનું તબીબો માની રહ્યાં છે. બીજી તરફ લોકોમાં કોરોના મહામારીને લઈને આવેલી જાગૃતિના કારણે પ્લાઝમા ડોનેટ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 3 મહિનામાં પ્લાઝમા ડોનેટ કરનારાઓની સંખ્યામાં 4200 ટકાનો વધારો થયો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે ઘાતક સ્થિતિમાં પ્લાઝમા ની માગ અનેક ગણી વધી ગઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર માર્ચથી મે 2020 વચ્ચે કુલ 28 લોકો પર પ્લાઝમાનો ઉપયોગ કર્યો હતો. જોકે આશરે ડોનેશન કરનારા લોકોની અંદાજિત સંખ્યા 200 હતી. માર્ચ-મે 2021માં ઓછામાં 8597 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા. જેનાથી 16494 લોકો લાભ લઈ ચૂક્યા છે. પહેલાની તુલનાએ બીજી લહેરમાં પ્લાઝમા ડોનેટ કરનારા લોકોમાં 4200 ટકાનો નો વધારો થયો છે. રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં ફક્ત સરકારી હોસ્પિટલોના આંકડા અનુસાર ગત 3 મહિનામાં 8597 લોકોએ પ્લાઝમા ડોનેશન કર્યું છે. જેનાથી ઓછામાં ઓછા 16494 લોકોએ સારવાર મેળવી છે. સુરતમાં સૌથી વધુ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. કોરોના મહામારીમાં મોટાભાગે પ્લાઝમાનો ઉપયોગ મોટા શહેરોમાં કરાઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર પછી સાજા થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે છે. તેમજ રાજકીય આગેવાનોએ પણ અગાઉ લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરી હતી.