ગુજરાત ટેકનોલાજી યુનિ.માં 75 ટકાથી ઓછી હાજરી હોવાથી 4236 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શકશે નહીં
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓની હાજરી 75 ટકા હોવી જોઈએ, 75 ટકાથી ઓછી હાજરી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. ત્યારે GTUએ એન્જિનિયરિંગ, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, બેચલર ઓફ ફાર્મસી, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર, ડિપ્લોમા એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ આર્કિટેક્ચર, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ ફાર્મસી, પોસ્ટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોર્સ (પાર્ટટાઇમ એન્જિનિયરિંગ) સહિતના કોર્સની કોલેજોમાં 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા 4236 વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગરની કોલેજોના એક હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓની સરેરાશ 75 ટકા કરતા વધુ હાજરી હોવી જરૂરી છે. જો વિદ્યાર્થી સતત કોલેજમાં ગેરહાજર રહ્યો હોય તો અને તેની હાજરી 75 ટકા કરતા ઓછી હોય તો પરીક્ષાના ફોર્મ ભરવા દેવામાં આવતા નથી. આ વર્ષે યુનિના 4236 વિદ્યાર્થીઓ એવા છે. કે તેમની હાજરી 75 ટકા કરતા ઓછી છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતાં તેમનું એક વર્ષ બગડશે. 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 2693 સેમેસ્ટર-5ના છે. પરીક્ષામાંથી બાકાત રખાયેલા આ વિદ્યાર્થીઓ હવે નવા શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થતા સેમેસ્ટરમાં નિયમિત હાજરી આપશે તો નિયમ અનુસાર એેક્ઝામ આપી શકશે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતાં, જેમાં 75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની નોંધ કરાઈ હતી. તે પછી કોલેજોએ મોકલેલા રેકોર્ડ્સના આધારે કાર્યવાહી કરાઈ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીટીયુના 4236 વિદ્યાર્થીઓને ડિસેમ્બર-જાન્યુઆરીની વિન્ટર એક્ઝામમાંથી બાકાત રખાયા છે. વિદ્યાર્થીઓએ છ મહિના બાદ જે સેમેસ્ટરની પરીક્ષામાંથી બાકાત રખાયા છે તેમાં નવા શૈક્ષણિક સત્ર જૂનથી અભ્યાસ કરવો પડશે અને 75 ટકા ફરજિયાત હાજરી નોંધાવવી પડશે. તે પછીથી વિન્ટર એક્ઝામમાં બેસી શકશે.