- મનપા દ્વારા અત્યાર સુધીમાં 34 ભુવા પુરાયાં
- સૌથી વધારે પૂર્વ ઝોનમાં 13 જેટલા ભુવા નોંઘાયાં
- 19થી વધારે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયાં
અમદાવાદઃ શહેરમાં હજુ તાજેતરમાં જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ત્યારે શહેરમાં રસ્તા ઉપર ભુવા પડવાના બનાવોમાં પણ વધારો થયો છે. મકરબા ખાતે રસ્તા ઉપર ઉંડો ખાડ્યો હતો, જેમાં મોટુ વાહન ગરકાવ થયું હતું. આ ઉપરાંત એસ.પી.રિંગ રોડ ઉપર નારણપુરા વિસ્તારમાં એઈસી ચાર રસ્તા પાસે વિશાળ ભુવો પડ્યો છે. જેથી આ માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરીને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, એક મહિનામાં શહેરના વિવિધ વિસ્તારમાં 43 જેટલા ભુવા પડ્યાં હતા. જેથી મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.
શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધારે 13 જેટલા અને દક્ષિણ ઝોનમાં 12 જેટલા ભુવા પડ્યાં છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં 43 જેટલા ભૂવા પડ્યાં હોવાથી વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. મનપા દ્વારા અત્યાર સુધીમાં 34 જેટલા ભુવા પુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મનપા દ્વારા અન્ય ભુવા પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભુવા પડવાના કારણે 19 જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયાં છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં એક કિમીના વિસ્તારમાં જ ચાર જેટલા ભુવા પડ્યાં છે. અમદાવાદ શહેર ભૂવાનગરી બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ માર્ગો ઉપર ભુવા પડવાની ઘટનાને પગલે વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.