Site icon Revoi.in

ઇઝરાયેલના પશ્ચિમ રફાહ પર હુમલામાં 45 લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ગત વર્ષથી ચાલી રહેલી યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. આ વખતે ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝાના પશ્ચિમ રફાહમાં મોટી જવાબી કાર્યવાહી કરી હતી. ઈઝરાયેલે અહીં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 45 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં 23 મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. ઘણા દેશોએ આ હુમલાની ટીકા પણ કરી છે.

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આ સૈન્ય કાર્યવાહી પર દુખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું, “એક મોટી ભૂલ થઈ છે”. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હવાઈ હુમલાને કારણે વિસ્થાપિત લોકોના તંબુઓમાં આગ લાગી હતી અને લગભગ 45 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. નોંધનીય છે કે 7 ઓક્ટોબર, 2023થી ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા 36,050 પર પહોંચી ગઈ છે.

બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને લઈને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે સૈન્ય કાર્યવાહીનો હેતુ કોઈ માનવીને નુકસાન પહોંચાડવાનો નથી. આ હુમલાની તપાસ કરવામાં આવશે. તેમણે સંસદમાં એક ભાષણમાં કહ્યું કે દુર્ભાગ્યવશ આ હવાઈ હુમલામાં કેટલાક નાગરિકોના મોત થયા છે. હમાસના નેતા સામી અબુ ઝુહરીએ તેને નરસંહાર ગણાવ્યો છે અને તેના માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. નોંધનીય છે કે રફાહમાં ઈઝરાયેલની સેના અને હમાસના આતંકવાદીઓ વચ્ચે બે અઠવાડિયાથી લડાઈ ચાલી રહી છે.

રફાહમાં બનેલી આ ઘટના બાદ યુરોપિયન નેતાઓએ રફાહમાં સૈન્ય કાર્યવાહી રોકવાના આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલેના બેરબોક અને યુરોપિયન યુનિયનના વિદેશી બાબતોના વડા જોસેપ બોરેલે જણાવ્યું હતું કે રફાહ પર આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાનું સન્માન કરવું જોઈએ. ઉપરાંત, ગાઝામાં માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ.