સુરેન્દ્રનગરઃ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ શહેરના સર્કિટ હાઉસ ખાતે સૌની યોજના કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રની ફળદ્રુપ ખેતી મોટેભાગે વરસાદ આધારિત હતી અને ઘણીવાર પાણીની તંગી કે દૂકાળ વેઠવાનો વારો આવતો.પરંતુ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન થકી આજે સૌરાષ્ટ્ર પ્રાંત જળસમૃદ્ધ બન્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઝાલાવાડના નર્મદા કમાન્ડથી વંચિત ધ્રાંગધ્રા, વઢવાણ તથા મુળી તાલુકાના ગામોના તળાવ/ સીમ તળાવ/ ચેકડેમને નર્મદા આધારિત પાણીનો લાભ આપવા માટેની યોજના બનાવવામાં આવી છે. જેમાં મુળી તાલુકાના 25 ગામ, ધ્રાંગધ્રા તાલુકાના 14 ગામ અને વઢવાણ તાલુકાના 6 ગામો એમ કુલ 45 ગામો માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાથી 45 ગામોના તળાવોને પાઇપલાઇનથી સાંકળીને નર્મદાના પાણીનો લાભ આપવામાં આવશે. તેમજ વઢવાણ, મુળી અને સાયલા તાલુકાના 38 ગામોને નર્મદા આધારિત પાણીનો લાભ આપવા માટેની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ 38 ગામોને નર્મદાના પાણીથી જોડી સિંચાઈનો લાભ આપવા બાબતે સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે. હાલ સર્વેક્ષણની કામગીરી પણ ચાલુ છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈનું પાણી ન પહોંચી શકે તેવા તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારનું આયોજન છે. આ યોજનાઓમાં વધુમાં વધુ ગામોનો સમાવેશ થાય અને વહેલી તકે કામ પૂર્ણ થાય એવો પ્રયત્ન પણ છે. વધુમાં મંત્રીએ ખેડૂતોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી તેના હકારાત્મક ઉકેલ માટેની ખાતરી પણ આપી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સૌની યોજનાના માધ્યમથી નર્મદાનું સિંચાઈ માટેનું પાણી આગામી દિવસોમાં જિલ્લાના ખેડૂતોને મળશે. આ પાણીથી જિલ્લાના ખેડૂતોની સુખાકારીમાં વધારો થશે. આ બેઠકમાં ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, અગ્રણી ધીરુભાઈ સિંધવ, જયેશભાઈ પટેલ, નાગરભાઈ, બ્રિજરાજસિંહ, મુકેશભાઈ, વઢવાણ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા,સંબધિત વિભાગના અધિકારીઓ/પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.