રાજકોટઃ શહેરના વોર્ડ નંબર 16માં આવેલા દેવપરા વિસ્તારમાં સરકારી જમીન પર 45 જેટલા ઝૂંપડાથી લઈને કાચા-પાકા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસની મદદથી તમામ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આમ સરકારની માલિકીની રૂ.15.40 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી
શહેરના મ્યુ. કમિશનરની સૂચનાથી ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ નં.16માં આવેલા દેવપરા મેઇન રોડ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જંગલેશ્વર પાસે ટીપી નં.6માં ફાઇનલ પ્લોટ 181નો 3460 ચો.મી.નો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં 17 કાચા પાકા ઝુંપડા અને ભંગારનો એક શેડ બંધાઇ ગયો હતો. તેના ઉપર બુલડોઝર ફેરવીને રૂ. 8.65 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત આ ટીપી નં.6માં વાણીજય વેચાણ હેતુનો 27 ચો.મી.નો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં પણ 25 કાચા પાકા ઝુંપડા ખડકાઇ ગયા હતા. તેમાં પરિવારો રહેવા લાગ્યા હતા. આ સાથે જ પ્લોટમાં એક પતરાનો શેડ અને એક સર્વિસ સ્ટેશન પણ બાંધી દેવામાં આવ્યું હતું. આ બાંધકામો ઉપર પણ જેસીબી ફેરવી કુલ 6160 ચો.મી. જમીન ખુલ્લી કરાવીને પ્લોટનો કબ્જો લેવામાં આવ્યો છે. આ કામગીરીમાં ટીપીઓ સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ઇસ્ટ ઝોન ટીપી શાખા, રોશની, દબાણ હટાવ, સોલીડ વેસ્ટ, આરોગ્ય, એએનસીડી, ફાયર, બાંધકામ અને વિજીલન્સ પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશ કે સરકારની માલીકીની ખૂલ્લી જમીનો પર બેરોકટોક દબાણો કરાતા હોય છે. અને દબાણો હટાવ્યા બાદ ખાલી પ્લોટ્સ પર કોઈ દેખરેખ ન રખાતા ફરીવાર દબાણો ખડકાય જતાં હોય છે. ત્યારે દબાણો હટાવ્યા બાદ તારની ફેન્સિંગ કરીને કે સિક્યુરીટી મુકીને ફરીવાર દબાણો ન થાય તેની દરકાર લેવામાં આવતી નથી.