અમદાવાદઃ ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા લોકોમાં ભારે વિરોધ ઊઠ્યો હતો. અને બિલ્ડરોએ જંત્રીમાં કરાયેલો તોતિંગ વધારો હાલ પુરતો મુલત્વી રાખવાની મુખ્યમંત્રીને અપિલ કરી હતી. દરમિયાન સરકારે લાંબી વિચારણા બાદ 15મી એપ્રિલ સુધી વધારેલો જંત્રી દર મુલત્વી રાખતાં રાજ્યમાં દસ્તાવેજોની સંખ્યામાં વધારો થયો છે. જંત્રીના દરમાં બમણા વધારાનો અમલ હવે 15 એપ્રિલ પછી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરતાં દસ્તાવેજની સંખ્યામાં 45થી 47 ટકાનો વધારો થયો છે. હાલમાં દિવસમાં અંદાજે 1300થી 1400 દસ્તાવેજ થઈ રહ્યા છે. દરમાં બમણા વધારો ઝીંકાતા ભારે હોબાળો થયો હતો અને છેલ્લા સપ્તાહમાં 900 જ દસ્તાવેજ થતા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જંત્રી દરમાં તોતિંગ વધારો કરાતા રાજ્યભરની કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં ભારે ઘટાડો થયો હતો. ત્યારબાદ સરકારે 15 એપ્રિલ સુધી જંત્રી દર વધારો મુલત્વી રાખતા દસ્તાવેજો રજિસ્ટર કરાવવાની સંખ્યામાં ભારે વધારો થયો છે. સોમવાર પછી કેટલીક કચેરીમાં દસ્તાવેજનો આંકડો ત્રણ ડીજિટમાં પહોંચ્યો હતો. શુક્રવારે અમદાવાદમાં નરોડામાં સૌથી વધુ 151, સોલામાં 154 અને નિકોલમાં 145 દસ્તાવેજ થયા હતા. મહેસૂલ વિભાગમાં જંત્રી વધારા માટે મીટિંગ ચાલી રહી છે. જંત્રીના દરમાં વધારા પછી એફોર્ડેબલ હાઉસને અસર થાય નહીં તેનું સરકાર ધ્યાન રાખી રહી છે. બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ કહ્યું કે, જંત્રીના દરમાં બમણા વધારા સાથે પરચેઝ એફએસઆઈ જેવા મુદ્દાને ધ્યાનમાં લેવા જરૂરી છે. જેની પાછળનું સીધું કારણ એ છે કે, હવે પછી રિડેવલપમેન્ટ સ્કીમો વધશે. જંત્રી વધારાની અસર ઉપરાંત પરચેઝ એફએસઆઇની રકમ ડબલ થશે તો રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ શક્ય નહીં બને.જંત્રી વધારાનો નિર્ણય પડતો મુકાયો હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં પ્લાનિંગ માટે ફાઈલોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો નથી. પ્લાનિંગ વિભાગના એક અધિકારીએ કહ્યું કે, સમયસર ફાઇલ રજૂ કરનાર ડેવલપર્સને ચોક્કસ ન્યાય મળશે.