Site icon Revoi.in

અમદાવાદમાં તાપમાનને લીધે છેલ્લા 20 દિવસમાં ફીવર અને વાયરલ સહિત 4577 કેસ નોંધાયા,

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અસ્હય તાપમાનને લીધે ફીવર સહિત વાયરલ બિમારીના કેસ વધતા જાય છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 4577 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં છેલ્લા સપ્તાહમાં 1, 709 દર્દી નોંધાયા હતા. આ અગાઉ 1,550 કેસ નોંધાયા હતા. ગરમીના કારણે ઝાડા-ઊલટીને લગતા કેસો પણ વધ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર સપ્તાહે OPDમાં 10 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાઈ રહી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમીને લીધે જનજીવન પર માઠી અસર પહોંચી છે. શહેરમાં છેલ્લા 20 દિવસમાં મેલેરિયાના 508 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જે પૈકી 6 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, એ જ રીતે ડેન્ગ્યુના 125 શંકાસ્પદ દર્દીઓને સારવાર અપાઈ છે. જેમાં 12 રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. ચિકન ગુનિયાના રોજ સરેરાશ એકાદ શંકાસ્પદ દર્દી આવે છે. 20 કિસ્સામાંથી એક રિપોર્ટ પોઝિટિવ છે. ઝાડા ઊલટીના કેસ પણ સતત વધી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે 38 દર્દીઓને સારવાર અપાઈ છે. આ અગાઉ 33 કેસ નોંધાયા હતા. વાઈરલ હિપેટાઈટિસના 15 કેસ આવ્યા છે જ્યારે ટાઈફોઈડના 20 દર્દીને સારવાર અપાઈ હતી. હાલમાં સ્વાઈન ફલૂના નવા કેસ નિયંત્રણમાં છે. 20 દિવસના અરસામાં 6 શંકાસ્પદ કેસ હતા. એટલે કે, એકેય રિપોર્ટ પોઝિટિવ નથી.

આ ઉપરાંત મે મહિનાના છેલ્લાં 20 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 42થી 46 ડિગ્રી નોંધાયો હતો. શહેરમાં સતત વધતા તાપમાનને કારણે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોમાં ઝાડા-ઊલટી (ડાયેરિયા)નાં કેસમાં 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 7-8 વર્ષ બાદ ઉનાળામાં બાળકોમાં ડાયેરિયાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ડોક્ટરોએ બાળકોને ગરમીમાં રમાતી રમતો કે સમર કેમ્પને બદલે ઇનડોર ગેમ રમાડવાની સલાહ આપી છે.