નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી બે વર્ષમાં 45,989 અરજીઓ મંજૂર કરાઇ. રાજ્યની નિરાધાર વિધવા મહિલાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વર્ષ 2022 અને 2023 દરમિયાન અમદાવાદ શહેરમાં કુલ 30,761 તેમજ અમદાવાદ જિલ્લામાં કુલ 15,343 મળી કુલ 46,104 અરજીઓ મળી હતી. જે પૈકી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી કુલ 45,989 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે જરૂરી દસ્તાવેજ-પુરાવાના અભાવે બાકીની 115 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે
વ્હાલી દીકરી યોજના હેઠળ નવસારી જિલ્લામાં એક વર્ષમાં 1169 લાભાર્થીઓને રુ.12,85,90,000ની સહાય મંજૂર કરાઈ છે. તેમ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગૃહમાં જણાવ્યું હતું. વિધાનસભા ખાતે રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવાની પાત્રતા અંગેના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે ઓગસ્ટ-2019 અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ઉપરાંત દંપતીને પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને, દંપતીની આવક રૂ.2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ, પુખ્ત વયે લગ્ન થયેલ હોવા જોઈએ તેમજ, લાભાર્થીએ દીકરીના જન્મથી એક વર્ષમાં અરજી કરવાની રહેશે.
આંગણવાડીમાં જતા કોઈપણ બાળકનો જીવ જોખમાય નહિ તે સુનિશ્ચિત કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી છે અને અમારી સરકાર આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે, તેમ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં 305 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. આ આંગણવાડીના બાળકોની સલામતીની ચિંતા કરીને 106 આંગણવાડીઓ ભાડાના મકાનમાં જ્યારે બાકીની 199 આંગણવાડીઓ શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી સલામત જગ્યાએ ખસેડવામાં આવી છે. તેવી જ રીતે, આણંદ જિલ્લામાં પણ 93 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. જે પૈકીના 23 કેન્દ્રો ભાડાના મકાનમાં તેમજ બાકીના 70 કેન્દ્રો શાળાના ઓરડા, પંચાયતઘર અથવા સમાજ ઘર જેવી જગ્યાએ ખસેડાયા છે. રાજ્યમાં તમામ જર્જરિત આંગણવાડી કેન્દ્રોનું રીનોવેશન અને બાંધકામ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. તેવું તેમણે જણાવ્યું હતું