Site icon Revoi.in

ગુજરાતમાં 47 જળાશયો છલકાતા હાઈએલર્ટ, સરદાર સરોવર ડેમ 60 ટકા ભરાયો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33  ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,972  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 10 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 21 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 42 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ  સરદાર સરોવરમાં 92,867   ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં 83,985  ક્યુસેક,  દમણગંગામાં 53,456 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 70.32  ટકા, સૌરાષ્ટ્રના 141 માં 52.68  ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.15  ટકા, મધ્ય ગુજરાતના 17માં  54.26  ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28.29  ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે. (File photo)