અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની તા. 1લી ડિસેમ્બરો યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. મતદાન મથકોથી ઈવીએમ લાવવા લઈ જવા તેમજ સલામતી જવાનો સહિત ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને પણ લાવવા અને લઈ જવા માટે 4717 એસટી બસોની ફાળવણી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી કામગીરી માટે આગામી તા.30 નવેમ્બર અને તા.1લી ડિસેમ્બરના બે દિવસ માટે કુલ 4717 બસની ફાળવણી કરવા આદેશ કરવામાં આવ્યો છે જેમાં 3982 રેગ્યુલર બસ અને 735 મીની બસ સમાવિષ્ટ હોવાનું જાણવા મળે છે. આ બન્ને દિવસો દરમિયાન રાજ્ય સ્તરે સેંકડો બસ રૂટ રદ થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચુંટણી કામગીરી માટે રાજકોટ શહેર અને જિલ્લામાં 102 બસ, સુરેન્દ્રનગરમાં 198, મોરબીમાં શૂન્ય, જામનગર શહેર અને જિલ્લામાં 60 બસ, દ્વારકા જિલ્લા માટે 93 બસ, પોરબંદર માટે શૂન્ય, જૂનાગઢ માટે 116, ગિર સોમનાથ માટે 95, અમરેલી માટે 161, ભાવનગર માટે 97, બોટાદ માટે 62, કચ્છ માટે 245 બસની ફાળવણી કરાશે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ જેમાં બનાસકાંઠા માટે 308, પાટણ માટે 160, મહેસાણા 174, સાબરકાંઠા 138, અરવલ્લી 119, ગાંધીનગર 160, અમદાવાદ 314, આણંદ 145, ખેડા 154, મહિસાગર 96, પંચમહાલ 187, દાહોદ 132, વડોદરા 257, છોટા ઉદેપુર 151, નર્મદા 83, ભરૂચ 190, સુરત 327, તાપી 94, ડાંગ 62, નવસારી 65, વલસાડ માટે 172 બસની ફાળવણી કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ચુંટણી કામગીરીના ઉપરોક્ત બે દિવસ દરમિયાન લગ્ન પ્રસંગો માટેનું બસ બુકિંગ પણ રદ થાય તેવી સંભાવના છે, અલબત્ત અરજદારોને તેની સમયસર જાણ કરાશે. તદ્દઉપરાંત હાલમાં લગ્ન પ્રસંગો માટે બસ બુકિંગ કરાવવા આવતા અરજદારો ઉપરોક્ત બે દિવસની તારીખોમાં બુકિંગ કરાવવા આવે તો બુકિંગ નહીં કરવા મૌખિક સુચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.