Site icon Revoi.in

કચ્છમાં 4750 મેગાવોટ વિજળીનું કરાશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

Social Share

ભૂજ : સુક્કાભઠ્ઠ ગણાતા કચ્છનો છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે.અને નર્મદાના નીરથી કચ્છની વેરાન જમીન પણ લીલીછમ બની રહી છે. કચ્છના લોકો મહેનતું અને સાહસિક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવા ઉદ્યોગો સ્થપાયા છે. સાથે પ્રવાસન ઉદ્યોગનો પણ સારોએવો વિકાસ થયો છે. આમ દેશમાં જ નહી પણ વિશ્વ ફલક પર કચ્છ ઊભરી રહ્યુ છે. જિલ્લાના ખાવડાના રણ વિસ્તારમાં મસમોટા સોલાર પાર્કને તાજેતરમાં કેન્દ્ર સરકારે મંજુરી આપી દેતા હવે સૂર્યઊર્જા ક્ષેત્રે પણ કચ્છ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એનટીપીસીની 100 ટકા સહાયક કંપની એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડને કચ્છના ખાવડાના રણમાં 4750 મેગાવોટના નવીકરણીય ઊર્જા પાર્ક સ્થાપિત કરવા માટે નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલય (એમએનઆરઈ)થી મંજૂરી મળી ગઈ છે. આ ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક હશે જેનું નિર્માણ દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની કરશે. મંત્રાલયે એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડને આ મંજૂરી તાજેતરમાં જ સોલાર પાર્ક યોજનાના મોડ-8 (અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક) હેઠળ આપી હતી.

એનટીપીસી આરઈએલની આ પાર્કથી વ્યાવસાયિક સ્તરે હરિત હાઈડ્રોજન ઉત્પન્ન કરવાની યોજના છે. પોતાના હરિત ઊર્જા પોર્ટફોલિયો સંવર્ધનના એક હિસ્સાના રૂપમાં દેશની સૌથી મોટી ઊર્જા એકીકૃત કંપની એનટીપીસીનું લક્ષ્ય 2032 સુધીમાં 60 ગીગાવોટ પુન:પ્રાપ્ત ઊર્જા ક્ષમતાનું નિર્માણ કરવાનું છે. હાલમાં રાજ્યનું સ્વામીત્વ ધરાવતી મુખ્ય વિદ્યુત કંપનીની 70 વિદ્યુત પરિયોજનાઓમાં 66 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા છે. આ ઉપરાંત 18 ગીગાવોટ નિર્માણાધીન છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એનટીપીસીએ આંધ્રપ્રદેશના સિમ્હાદ્રી તાપ વિદ્યુત સંયત્રના જળાશય પર દેશનો સૌથી મોટો 10 મેગાવોટ (એસી)નો તરતો સોલાર પ્રોજેકટ પણ ચાલુ કર્યો છે.