અમદાવાદઃ ગાંધીજીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. છતાં પીવાવાળા ગમે ત્યાંથી વિદેશી દારૂ મેળવી લેતા હોય છે. રાજ્યમાં રોજબરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાતો હોય છે. રાજ્યમાં વિદેશી દારૂ પીવાવાળાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને દારૂ મેળવવા માટેના રસ્તાઓ શોધી લેતા હોય છે. ત્યારે આરોગ્યનું કારણ આગળ ધરીને દારૂની પરમિટ લેનારાની સંખ્યામાં પણ વધારો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારી દરમિયાન પણ દારૂ માટે હેલ્થ પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2020માં ગુજરાતમાં હેલ્થ પરમિટ 27, 452 લોકો પાસે હતી જે વધીને 40,921 થઈ ગઈ છે. કહી શકાય કે પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં 49 ટકાનો વધારો થયો છે. નવેમ્બર 2021માં આ આંકડો 37,421 હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હેલ્થ પરમિટ રિન્યુ કરાવવા માટેની અરજીઓ કોરોના મહામારી દરમિયાન એકત્રિત થઈ હતી, પરંતુ આ વર્ષે તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. માત્ર રિન્યુની વાત નથી, નવી અરજીઓ પણ મોટી સંખ્યામાં આવી છે. લોકોમાં અનિદ્રા, તાણ અને ડિપ્રેશનની બીમારી વધી રહી છે, જેના પરિણામે દારૂ માટેની હેલ્થ પરમિટ મેળવવા માંગતા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. હેલ્થ પરમિટ મેળવવા માટે જે નાણાંકીય યોગ્યતા પરિમાણ છે તેમાં પાછલા એક દશકથી કોઈ બદલાવ નથી આવ્યો. દારૂની પરમિટ મેળવવા માંગતા નાગરિકની વાર્ષિક આવક 3 લાખ રુપિયા હોવી જોઈએ. આ સિવાય તે પાછલા પાંચ વર્ષથી સમયસર આઈટી રિટર્ન ભરતો હોવો જોઈએ. પાછલા થોડા વર્ષોમાં લોકોનું જીવનધોરણ બદલાયું છે, અનિદ્રા અને તાણ જેવી સમસ્યાઓ વધી ગઈ છે, જેના કારણે પરમિટ લેનારા લોકોની સંખ્યા પણ વધી છે. અને પરમિટ ધરાવતી દારૂ વેચતી દુકાનોમાં પણ વેચાણ વધ્યું છે. દુકાનના માલિકો દ્વારા લગાવવામાં આવેલા એક અંદાજ અનુસાર, પાછલા એક વર્ષમાં વેચાણમાં 20-25 ટકાનો વધારો થયો છે. રસપ્રદ બાબત એ છે કે, હોટલના સંચાલકોનુ કહેવું છે કે, પરમિટ ધરાવતા લોકોની સંખ્યા વધવાને કારણે ઈમ્પોર્ટેડ દારૂની માંગમાં વધારો જોવા મળ્યો છે.