રાજ્યના જળાશયોમાં 39 ટકા પાણીનો જથ્થો, ચાર ડેમમાં 90 ટકા પાણીનો સંગ્રહ
- સરદાર સરોવર ડેમમાં 51 ટકા પાણી ઉપલબ્ધ
- રાજ્યમાં ગણતરીના કલાકોમાં ચોમાસુ બેસશે
- જળાશયોમાં પાણીની નવી આવક થશે
અમદાવાદઃ રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં 207 જેટલા જળાશયોમાં 39 ટકા પાણીનો જથ્થો હોવાનું હોવાનું જાણવા મળે છે. રાજ્યના ચાર ડેમમાં 90 ટકા પાણીનો જથ્થો છે.
રાજ્યના 207 ડેમમાં 39.61 ટકા જ પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 46.80, મધ્યગુજરાતના 17 ડેમમાં 30.60, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 33.67, કચ્છના 20 ડેમમાં 48.58, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 19.24 અને સરદાર સરોવરમાં 51.04 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે કચ્છના ચાર ડેમ હાલમાં છલોછલ ભરાયેલા છે. બીજી તરફ રાજ્યના 4 ડેમ હાલમા હાઈ એલર્ટ પર છે. જ્યારે એક ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. વોર્નિંગ પર બે ડેમ છે. ચાર ડેમમાં 90 ટકા, એક ડેમમાં 80 ટકા, બે ડેમમાં 70 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે 199 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.
રાજ્યમાં ગણતરીના કલાકોમાં જ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થશે. તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની આવક થવાની શકયતા છે.