49 ના થયા ગોડ ઓફ ક્રિકેટઃ વિશ્વમાં ભારતીય ક્રિકેટની ઓળખ બની ગયેલા સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ
- ક્રિકેટર સચિન તેંડુલકરનો જન્મદિવસ
- 49 ના થયા ગોડ ઓફ ક્રિકેટ
- સો સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી
મુંબઈ:ભારતીય ક્રિકેટની ઓળખ અને ક્રિકેટમાં ભગવાનનો દરજ્જો ધરાવનાર સચિન તેંડુલકર આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ આ દિવસે 1973માં મુંબઈમાં થયો હતો. તેમના પિતા રમેશ તેંડુલકર સંગીતકાર સચિન દેવ બર્મનના ચાહક હતા, તેથી તેમનું નામ સચિન રાખવામાં આવ્યું હતું.સચિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો.તેમના પિતાએ તેમને ક્રિકેટના ‘દ્રોણાચાર્ય’ તરીકે જાણીતા ગુરુ રમાકાંત આચરેકર પાસે દાખલ કરાવ્યા, જેમણે સચિનની ક્રિકેટ પ્રતિભાને સારી રીતે ઉછેર્યું.
શરૂઆતમાં સચિન ફાસ્ટ બોલર બનવા માંગતો હતો.તે બોલિંગ શીખવા માટે એક પ્રશિક્ષણ શિબિરમાં પણ ગયો હતો, જ્યાં તેને કોચ ડેનિસ લિલી દ્વારા કહેવામાં આવ્યું હતું કે,તમારું સંપૂર્ણ ધ્યાન બેટિંગ પર કેન્દ્રિત કરો. આ પછી તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન બેટિંગ પર લગાવ્યું અને પછીથી તેને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવ્યો.
ભારત તરફથી એકમાત્ર ખેલાડી, જેને ભારત રત્ન આપવામાં આવ્યો છે. તેની ક્રિકેટ કારકિર્દી 24 વર્ષ સુધી ચાલી હતી. સચિને 15 નવેમ્બર 1989ના રોજ પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં 16 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સચિન માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. વકાર યુનિસ તે બોલર હતો જેણે સચિનને આઉટ કર્યો હતો.
ટેસ્ટ ડેબ્યુના એક મહિના પછી સચિને 18 ડિસેમ્બર 1989ના રોજ પાકિસ્તાનની સામે જ ગુજરાનવાલામાં પોતાનો વનડે ડેબ્યૂ કર્યો હતો, જેમાં તે શૂન્ય પર આઉટ થયો હતો.તેની પ્રથમ મેચ પછી સચિન તેંડુલકરે પાછું વળીને ક્યારેય જોયું નથી અને તે વિશ્વનો મહાન બેટ્સમેન બની ગયો હતો.
સચિને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 14-16 નવેમ્બર 2013ના રોજ મુંબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં સચિન 74 રન બનાવીને આઉટ થયો હતો.
સચિન તેંડુલકર વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે.તેણે ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી ફટકારી છે. આ સાથે જ તેંડુલકરના નામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. આ સાથે વનડે ક્રિકેટમાં પુરૂષો માટે પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેંડુલકરના નામે છે.હાલમાં તેંડુલકર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટરની ભૂમિકામાં જોવા મળે છે.