અમદાવાદઃ ગુજરાતમાં કોમ્પ્યુટરના ક્લાસિસ ચલાવતા કેટલાક સંચાલકો જીએસટીની કરચોરી કરતા હોવાની માહિતી મળતા સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કમ્પ્યુટરના 15 ક્લાસીસના 39 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોનો સમાવેશ થયો હતો. ક્લાસીસના સંચાલકોએ જીએસટી કાયદા હેઠળ નોંધણી ન કરાવીને કરચોરી કરાતી હતી. સંચાલકો પાસેથી રૂ. 5.70 કરોડની કરચોરી પકડાઈ હતી. જે પૈકી રૂ. 2.75 કરોડની વસૂલાત કરાઈ હતી.
સ્ટેટ જીએસટીના સૂત્રોના જણાવ્યું મુજબ વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલી ટેકસ ચોરી કરતા સંચાલકો સામે સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા એક સપ્તાહથી સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યભરમાં કલાસીસ સંચાલકોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અમદાવાદ સુરત, રાજકોટ અને વડોદરાના કુલ 15 કલાસીસના 39 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ડિપાર્ટમેન્ટે જીએસટી નંબર ન લઇને કરચોરી કરતા સંચાલકોના પેઢીના હિસાબો, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કમ્પ્યુટર ક્લાસિસના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા, બેચની સંખ્યા અને ફીની રકમ છૂપાવીને કરચોરી કરાઈ હતી. સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી રોકડેથી ફીની રકમ લેવાતી હતી. ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઝ્ડ એનાલિસિસના આધારે શહેરમાં મોટી રકમ વસૂલતા કલાસીસ સંચાલકોને ત્યાં ફરી દરોડાની કાર્યવાહી ટૂંક સમયમાં થઇ શકે છે. ઉપરાંત ટ્યુશન ક્લાસિસ ચલાવતા સંચાલકો દ્વારા પણ એસજીએસટી ચોરી કરવામાં આવતી હોવાનું કહેવાય છે. ઘણાબધા ક્લાસિસના સંચાલકો તો એવા છે. કે, જીએસટી કાયદા હેઠળ નોંધણી ન કરાવીને કરચોરી કરવામાં આવી રહી છે. સરકારે જીએસટી વિભાગને કર વસુલાત માટે મોટો ટાર્ગેટ આપેલો છે. ત્યારે આગામી સમયમાં સર્ચનું અભિયાન હાથ ધરવામાં આવશે.