કોરોના વિરોધી વેક્સિનના ચાર દિવસમાં 5.84 લાખ ડોઝ અપાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે કોરોના વિરોધી વેક્સિન લેવા લોકોમાં પણ જાગૃતી આવી રહી છે. 18 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવાના નિર્ણય બાદ યુવાનો પણ મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રાજ્યમાં 4 દિવસમાં 10 લાખમાંથી 5.84 લાખ વેક્સિન ડોઝ અપાયા છે.
રાજ્યમાં છેલ્લાં ચાર દિવસમાં 18થી 45 વર્ષની વયજૂથના નાગરિકોનું રસીકરણ શરૂ થયાં પછી 5.84 લાખ લોકોને કોરોનાની રસી આપી દીધી છે. આમાં 18થી ઉપરની વયના તમામ નાગરિકોનો સમાવેશ થાય છે. ત્રીસમી એપ્રિલે સરકારે જાહેર કર્યાં મુજબ તેમની પાસે સાત લાખ ડોઝ પ્રાપ્ય હતા જે કેન્દ્ર સરકારે 45થી વધુ વયના નાગરિકો, ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સ અને કોરોના વોરિયર્સને અપાયા હતા. જ્યારે 45થી ઓછી વયના નાગરિકો માટે સીરમ કંપની પાસેથી કોવિશીલ્ડ રસીના 3 લાખ ડોઝ મળ્યા હતા. આમ સરકાર પાસે ત્રીસ તારીખ સુધીમાં કુલ દસ લાખ ડોઝ ઉપલબ્ધ હતા, જેની સામે પહેલીથી ચોથી મે દરમિયાન કુલ 5.84 લાખ ડોઝ અપાઇ ચૂક્યા છે. જ્યારે હવે સરકાર પાસે માત્ર 4.16 લાખ ડોઝ જ ઉપલબ્ધ છે. હાલ દૈનિક 1.20થી 1.30 લાખ ડોઝની દૈનિક સરેરાશથી રસીકરણ ચાલી રહ્યું છે. જો આ જ ગતિથી રસીકરણ ચાલતું રહેશે તો ચાર દિવસમાં જ રસીનો સ્ટોક ખલાસ થઇ જાય તેવી સ્થિતિ છે. રાજ્ય સરકારે કેન્દ્ર અને રસી ઉત્પાદક કંપનીઓને રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.