- વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા હતા,
- 48 કલાકની જહેમત બાદ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા,
- આરોપીઓ યુપીના વતની છે, જેમાં 3 વિધર્મી છે
વડોદરાઃ શહેર નજીક ભાયલી ગામની સીમના અવાવરું રોડ પર ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ગેન્ગરેપની ઘટનાથી સરકાર પણ હચમચી ગઈ હતી. અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરોપીઓને પકડવા સુચના આપી હતી. અને 200 જેટલા ચુનંદા સ્ટાફને કામે લગાડ્યો હતો. મોબાઈલ સર્વેલન્સ, સીસીટીવી કેમેરા અને બાતમીદારોને આધારે પોલીસે 5 આરોપીઓને દબોચી લીધા હતા, 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે
વડોદરામાં નવરાત્રિના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનારા રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 5 આરોપીઓ પૈકી 3 ઉત્તરપ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી-બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી. ત્યારે 3 નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓને દબોચી લેવાયા બાદ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા, એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો હતો. કુલ ત્રણ આરોપીઓને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આરોપીઓ મુળ ઉત્તર પ્રદેશના વતની છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગેન્ગ રેપના આરોપીઓ લઘુમતી વસતી ધરાવતાં તાંદલજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ નરાધમો સહિત તમામ પાંચ આરોપીઓને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી દુષ્કર્મ આચરનારા ત્રણ આરોપી વિધર્મી હોવાનું સામે આવ્યું છે. અને આ વિધર્મીઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. તેઓ ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. લઘુમતી વસતી ધરાવતો તાંદલજા વિસ્તાર ભાયલીથી અંદાજે ત્રણથી સાડા કિલોમીટરના અંતરે છે.
વડોદરા નજીક ભાયલી-બીલ રોડ ઉપર જ્યાં દુષ્કર્મની ઘટના બની હતી. ત્યાં નજીકમાં રોડના ડિવાઇડર ઉપર અગાઉથી 5 યુવાનો દારૂની મહેફિલ માણતા હતા. આ 5 યુવાનોએ ડિવાઇડર ઉપર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા હતાં. 5 યુવાનો પૈકી 2 યુવાનો બાઇક લઇ જતા રહ્યા હતા. જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાનો સગીરા અને તેના મિત્ર પાસે પહોંચી ગયા હતા અને અભદ્ર વર્તન કર્યું હતું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં પીડિતાએ પોતાની જાતને સંભાળીને મિત્ર સાથે જાણ કરતાં પોલીસે પહોંચી ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું હતું. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળ્યા હતા. વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા આકાશ-પાતાળ એક કર્યા હતા. ગૃહ વિભાગ દ્વારા આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને આઈજી, એસપી સહિતના 200 સુપરકોપ્સની ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. અને ભારે જહેમત બાદ પોલીસને સફળતા મળી હતી.