નડિયાદઃ ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના બિલોદરા ગામે ભેદી રહસ્યમય ત્રણનાં મોત અને મહુધા તાલુકાના બગડુ ગામે બે એમ કુલ પાંચ વ્યક્તિના શંકાસ્પદ કફ સીરપ પીવાથી મોત નિપજતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હાલતો કથિત રીતે શંકાસ્પદ પીણું પીવાના કારણે મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ એક વ્યક્તિની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ખેડાના બિલોદરા ગામે તથા બગડુ ગામે શંકાસ્પદ કફ સીરપ પીવાને લીધે કૂલ પાંચ લોકોના મોત થતાં ખેડા પોલીસની સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ, અમદાવાદ રેંજ આઇજીની ટીમ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવાામાં આવી છે. જેમાં આ સીરપનું વેચાણ કરનારા વેપારીઓ ઉપરાંત, આ કૌભાંડમાં સેડોવાયેલા લોકોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. કથિત રીતે શંકાસ્પદ પીણાને કારણે પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા હતાં. જેમાં ચાર લોકોના પોસ્ટમોર્ટમ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કિસ્સામાં અન્ય લોકોએ પણ શંકાસ્પદ પીણાનું સેવન કર્યુ હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી એક વ્યક્તિની તબિયત લથડતાં ગુરૂવારે વહેલી સવારે તેમને અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જેમનું નામ શાકળભાઈ મંગળભાઈ સોઢા હોવાનું સામે આવ્યું છે. જેમની ઉંમર 72 વર્ષ છે. તે જૂના બિલોદરા ગામના વતની છે.
ખેડા જિલ્લાના બિલોદરામાં નશાવાળા કફ સીરપનું સેવન કરવાથી મરણ થયાની ઘટનાને લઇને ખેડા પોલીસ દ્વારા એક વિશેષ ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. સાથેસાથે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ અમદાવાદ રેન્જના આઇજી પ્રેમવીરસિંહ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. કફ સીરપનો જથ્થો માત્ર બિલોદરા જ નહી પણ અન્ય ગામો તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ કરાયાની શક્યતા છે. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ તપાસ કરી રહી છે. જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મીથેનોલનું પ્રમાણ વધી જતા આ ઘટના બની છે. જે અંગે હાલ એફએસએલના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ પોલીસે કેટલાંક શકમંદોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.
ખેડા જિલ્લામાં ભેદી રહસ્યમય પાંચના મોતનું કારણ જાણવા પોલીસ અને આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યા છે. દરમિયાન ઘટનાના ત્રીજા દિવસે ગામની સીમમાંથી શંકાસ્પદ આયુર્વેવેદિક ખાલી બોટલોનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર બનાવની ગંભીરતા જોતાં પોલીસે ત્રણ શખસને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે.