રાજસ્થાનમાં ભારતમાલા હાઈવે પર સ્કોર્પિયો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 ગુજરાતીનાં મોત
ભૂજઃ રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત કચ્છ માંડવીના તબીબ દંપતી, તેમની દોઢ વર્ષની પુત્રી સહિત બે પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાંચેય મૃતકો કચ્છના માંડવીના છે.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, બિકાનેરના નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા હાઈવે પર વહેલી પરોઢે સ્કોર્પિયોચાલકને ઝોકું આવી જતાં પુરફાટ ઝડપે જઈ રહેલી સ્કોર્પિયો કાર ટ્રકની પાછળ ઘુંસી ગઈ છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ અને અધિક પોલીસ અધિક્ષક ડો.પ્યારેલાલ શિવરન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્કોર્પિયોમાં સવાર ગુજરાતના આ બંને પરિવારો શ્રીગંગાનગરથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.ત્યારે અકસ્માત સર્જાયો હતો. કચ્છ માંડવીના તબીબ દંપતી સહિત પાંચ વ્યક્તિઓના મોતના સમાચારથી સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી ગઈ હતી,
આ અકસ્માતના બનાવ અંગે નોખા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગ્યે રાજસ્થાનના ગંગાનગરથી ગુજરાત તરફ જતી સ્કોર્પિયો કાર આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર ડૉ. પ્રતીક ચાવડા, તેમનાં પત્ની ડો હેતલ પ્રતીક ચાવડા, તેમની 2 વર્ષીય પુત્રી નાઈસા, કરણ ક્રિષ્ના કાસ્તા, તેમનાં પત્ની પૂજાબેન કરણ કાસ્તાનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું છે.
કચ્છના માંડવી બ્લોક હેલ્થ ઓફિસના મુખ્ય તબીબ ડો. પાસવાને જણાવ્યું કે, અમારા સહ કર્મચારીઓના આકસ્મિક અવસાનથી સ્ટાફ પરિવારમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. હેતલબેન માંડવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ફરજ બજાવી રહ્યા હતા જ્યારે ડો પ્રતીક નજીકના ગોધરા ગામે પીએચસીમાં ફરજ બજાવતા હતા. હાલ તો મેડિકલ સ્ટાફના લોકો મદદ માટે પરિજનો સાથે રાજસ્થાન ગયા છે. તમામ પ્રકારની બનતી સહાય થાય તેવા પ્રયાસો કરી રહ્યા છીએ.