અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ પાસેથી સોનું પકડાતું હોય છે. જેમાં દુબઈ સહિત આરબ દેશોમાંથી આવતા કેટલાક પ્રવાસીઓ સોનાની હેરાફેરી કરતા હોય કસ્ટમના અધિકારીઓ આવા પ્રવાસીઓ પર બાજ નજર રાખતા હોય છે. કસ્ટમ વિભાગ તેમજ એર ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અખાતી દેશમાંથી આવેલી પ્રવાસીનો લગેજ તપાસતા પ્લાસ્ટિકની ડીશો મળી આવી હતી. તે વજનદાર હોવાથી શંકા જતાં એક ડીશ તોડતા એમાં સોનાના કણ ચમકવા લાગ્યા હતા. આમ એક પછી એક ડીશ તોડીને એમાંથી પાંચ કિલો ભૂકો મળી આવ્યો હતો, આથી પ્રવાસીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. દાણચોરી માટેની આ નવી મોડસ ઓપરેન્ડીથી કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને તેમાં કોની સંડોવણી છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓના ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને આરબ દેશોમાંથી આવતા પ્રવાસીઓના લગેજની પુરતી તપાસ કરવામાં આવતી હોય છે. દરમિયાન એરપોર્ટ પર રાત્રે વિદેશથી આવેલું વિમાન લેન્ડ થયું અને મુસાફરો કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવી રહ્યા હતા. ત્યારે એર ઇન્ટેલિજન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે, કેટલાક મુસાફરો મોટા પ્રમાણમાં સોનું લઈને આવ્યા છે. જેના પગલે કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સના અધિકારીઓએ તમામ મુસાફરોની અને તેમના માલ સામાનની ચકાસણી શરૂ કરી દીધી હતી. આ ચકાસણી દરમિયાન મુસાફર પાસેની બેગમાંથી કેટલીક પ્લાસ્ટિકની ડીશ મળી હતી. પ્લાસ્ટિકની ડીશનું વજન સામાન્ય કરતા વધારે જણાતું હતું. જેથી અધિકારીઓ દ્વારા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓને સંતોષકારક જવાબ નહીં મળતા અધિકારીઓએ પ્લાસ્ટિકની ડીશ તોડી હતી. જેવી પ્લાસ્ટિકની ડીશ તૂટી કે અંદરથી સોનાના કણો ચમકવા લાગ્યા હતા. તમામ ડીસ પરથી પાંચ કિલો સોનાનો ભૂકો મળી આવ્યો હતો. અધિકારીઓએ દાણચોરીના પાંચ કિલો સોના સાથે બે પ્રવાસીની અટકાયત કરી હતી. હવે આ દાણચોરીનું સોનુ કોના માટે લાવવામાં આવી રહ્યું હતું અને આ સ્મગલર સિન્ડિકેટના સભ્યો કોણ છે તે અંગેની તપાસ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે એરપોર્ટ ઉપરથી 17 કરોડનું દાણચોરીની સોનું જપ્ત કર્યું હતું અને 20 લોકોની ધરપકડ કરી હતી તાજેતરમાં જ એક મહિલા 94 લાખના દાગીના સાથે પકડાઈ હતી ત્યારબાદ બીજા દિવસે 3.35 કરોડનું ગોલ્ડ પકડાયું હતુ.