Site icon Revoi.in

વડોદરા નજીક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 5નાં મોત, 28ને ઈજા

Social Share

વડોદરાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક સારકદા ગામ નજીક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે અને 4નાં સારવાર દરમિયાન મોત નિપજતા કૂલ 5નાં મોત થયા છે. જ્યારે આ અકસ્માતના બનાવમાં 28 લોકોને ઈજાઓ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આણંદના અડાસ ગામના 50 લોકો બાબરી (ચૌલક્રિયા)માં હાજરી આપવા માટે મોસાળુ લઈને નટવરનગર ગામે આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા. ત્યારે આઈસર ટ્રકનો અકસ્માત સર્જાયો હતો

વડાદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર શુક્રવારે આઇસર ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે આઇસર ટ્રકમાં સવાર 32 લોકોને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન વધુ ચારના મોત નીપજતા મોતનો આંકડો પાંચએ પહોંચ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે,  આણંદ જિલ્લાના અડાસ ગામના મોસાળીયા સાવલી તાલુકાના નટવરનગર ગામમાં રહેતા 7 વર્ષના વંશરાજની બાબરી (ચૌલક્રિયા) હોવાથી 50 જેટલાં કુટુંબીજનો આઇસર ટ્રકમાં મોસાળુ લઈને જતા હતાં. આ દરમિયાન સાકરદા અને મોકસી ગામની વચ્ચે આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વંશરાજના કાકી કેશરબેન રણજીતસિહ રાજ (ઉં.વ.48)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે 32 લોકોને ગંભીર તથા સમાન્ય ઇજા પહોંચતા 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાં સારવાર દરમિયાન ચારના મોત થતાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો હતો.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે અમારા ગામ અડાસથી અમારા ભાણિયાની બાબરીના પ્રસંગે નટવરનગરમાં જવા માટે રવાના થયા હતા. આ સમયે સાંકરદા ગામ પાસે સામેથી આવી રહેલી ટ્રક અમારા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આઈસર ટ્રકમાં બેઠેલા બધા લોકો એકબીજાને અથડાતાં ઢગલો થઈ ગયા હતા. તેથી લોકોને ખેંચી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બાળકોએ રડવાનું શરૂ કર્યું હતું અને બૂમાબૂમ કરી મૂકી હતી. તમામ ઇજાગ્રસ્તની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે.