Site icon Revoi.in

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ટ્રક અકસ્માતને લીધે 5 કિમી ટ્રાફિક જામ

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક સર્જાયો હતો. કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતાં હાઇવે પર લીગાર્ડ હોટલ પાસે વહેલી સવારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રકની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમને અઢી કલાકની જહેમત ઊઠાવવી પડી હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતાં હાઇવે પર લીગાર્ડ હોટલ પાસે વહેલી સવારે સુરત તરફ જતી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. બાદમાં તે સાઈડમાં ઊભી હતી. તે દરમિયાન જ અચાનક પાછળથી આવી રહેલી ટ્રક આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેમાં ટ્રક ડ્રાઇવર ફસાયો હતો. આ અંગેનો કોલ ફાયરને મળતાં અઢી કલાકની ભારે જહેમત બાદ ડ્રાઇવરને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે આ રોડ પર 5 KM ટ્રાફિકજામ થયો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતની ઘટના વડોદરા હાઈવે પર કપુરાઈ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતાં હાઇવે પર લીગાર્ડ હોટલ પાસે બની હતી. જેમાં એક ટ્રક અગાઉથી જ ત્યાં ઉભી હતી અને પાછળથી રાજસ્થાન પાર્સિંગની એક ટ્રક આવીને ત્યાં અચાનક જ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા ડ્રાઇવરનું અઢી કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્યું હતું કે  આ અકસ્માતમાં ટ્રકની કેબીનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે પેડર કટર, રેમજેક, હાઇડ્રોલિક પાવર પેક સહિતનાં સાધનો લઈ અઢી કલાક સુધી ભારે મહેનત કરી હતી. આ અકસ્માતના લીધે પાંચ કિલોમીટર જેટલો ભારે ટ્રાફિકજામ થયો હતો, જેની અસર વાઘોડિયા ચોકડી સુધી વર્તાઈ હતી.