દહેજમાં ખાનગી કંપનીમાં 5 લાખ લિટરની પાણીની ટાંકી ફાટતા બે શ્રમિક યુવાનોના મોત, 4ને ઈજા
ભરૂચઃ જિલ્લાના દહેજની એક ખનગી કંપનીમાં ધડાકા સાથે પાણીની ટાંકી ફાટતા બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ચાર શ્રમિકો ઘવાયા હતા. લોખંડની ટાંકી ફાટતા પાણીનો એકસાથે ધસી આવતા કામ કરતા શ્રમિકો તણાયા હતા. ઘવાયેલા ચાર શ્રમિકોને ભરૂચની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની પ્રાથમિક વિગતો એવી જાણવા મળી છે કે, ભરૂચ જિલ્લાના દહેજમાં શનિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દહેજમાં આવેલી ખાનગી ઈપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા હતા. જેમાં બે શ્રમિક યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા. અન્ય ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ટાંકી ફાટવાની ઘટનાની જાણ થતા પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ઈપેક કંપનીમાં પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી અચાનક ફાટી ગઈ હતી. કોઈ કાંઈ સમજે તે પહેલા કામ કરી રહેલા શ્રમિકો તીવ્ર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જેમાં બે શ્રમિકોના મોત નિપજયા હતા. આ ઘટનામાં સૂરજરામ બહાદુર ઉંમર વર્ષ 21 તથા વિશાલકુમાર કલ્યાણ રાય ઉંમર વર્ષ 22નું મોત થયું હતું. પોલીસે બંને મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં રાહત માટે ફાયરબ્રિગેડના જવાનોની પણ મદદ લેવામાં આવી હતી. લોખંડની ટાંકી એકાએક કેવી રીતે ફાટી તે માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે.