લીલીયા નજીક રેલવે ટ્રેક પર ઊભેલા 5 સિંહને ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી બચાવી લીધા
અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ઘણીવાર સિંહ રેલવે ટ્રેક પર પણ આવી જતા હોય છે, ભૂતકાળમાં ટ્રેનની અડફેટે સિંહના મોતના બનાવો પણ બન્યા છે. ત્યારે રેલવેના ટ્રેનના પાયલોટ દ્વારા પણ તકેદારી રાખવામાં આવતી હોય છે. લીલીયા (મોટા) – સાવરકૂંડલા વચ્ચે ગુડઝ ટ્રેન આવી રહી હતી ત્યારે સિંહ યુગલ તેના ત્રણ બચ્ચા સાથે રેલવે ટ્રેક પર ઊભા હતા.જેને જાઈને ટ્રેનના પાયલટ દલપત બેનીવાલે ઈમરજન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી દીધી હતી. અને 5 સિંહએ રેલવે ટ્રેક ઓળંગ્યા બાદ ટ્રેનને રવાના કરી હતી.
ભાવનગર રેલ્વે વિભાગ સિંહ, વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. બોર્ડના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાયલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. દરમિયાન ગત શનિવારે માલગાડી ટ્રેન નંબર PRTK-PPSP પર લોકો પાઇલટ દલપત બેનીવાલ, સવારે લગભગ 05:15 કલાકે લીલીયા મોટા – સાવરકુંડલા સેક્શન વચ્ચે પસાર થઈ રહ્યા હતા.ત્યારે નંબર 48/7-8 પર જોયું કે 02 સિંહ અને 01 બચ્ચુ ટ્રેક પર ઉભા છે અને 02 વધુ બચ્ચા ટ્રેકની નજીક ઉભા છે, જેને જોઈને લોકો પાઈલટે ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને રોકી દીધી હતી. સ્થળ પર ટ્રેન 15 મિનિટ રોકી દીધી હતી. સ્થળ પર કોઈ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો, છતાં લોકો પાયલટે ટ્રેન રોકી સિંહોને બચાવ્યા હતા. સિંહોએ પાટા ઓળંગ્યા પછી, ટ્રેનને સ્થળ પરથી લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી. આ માહિતી લોકો પાયલોટે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ પણ રેલવે લોકો પાયલોટ દ્વારા પિપાવાવથી જતી માલગાડી અટકાવીને સિંહોને બચાવ્યા હતા. હાઇકોર્ટ દ્વારા સિંહોના ટ્રેન અડફેટે મોત અંગે રેલવે તંત્રને ફટકાર લગાવાઇ હતી અને સિંહોના સંભવિત વિસ્તારમાં ટ્રેનોનું સંચાલન કાળજીપૂર્વક કરવા માટે ટકોર કરવામાં આવી હતી.