અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં નર્મદા પાઈપલાઈનમાંથી પાણી ચોરી કરતાં પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પીવાના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવાના હેતુથી પાઈપલાઈનમાં ભંગાણ કરી પાણીને ખેતરના કૂવામાં નાંખતા હતા. જિલ્લામાં પાણી ચોરીની ઉઠેલી ફરિયાદો બાદ જિલ્લા કલેક્ટરે કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્રએ પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરને સાથે રાખી નર્મદા પાઈપલાઈનમાં ટેપિંગ કરી પાણી ચોરતા પાંચ ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.
કલેક્ટરની સુચના બાદ જિલ્લા પાણી પુરવઠા વિભાગે અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં આ પાણી ચોરી ઝડપી પાડવામાં આવી હતી. હાલ કાળઝાળ ગરમીમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉદભવતો હોય છે, ગીર સોમનાથ જિલ્લામાં અનેક સ્થળે હાલ ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદા પાઈપલાઈનમાં અપૂરતુ પાણી મળતું હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. જેના કારણે એક સાથે અનેક જગ્યાએ ચેકિંગ કરી આવા ભૂતિયા કનેક્શનને રદ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ કેટલાક જળાશયોમાં ઝડપથી પાણીનો ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યની પ્રજાને પીવાના પાણીની કોઈ સમસ્યા ના નડે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જ્યાં જરુર પડે ટેન્કર મારફતે પાણી પહોંચવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો સિંચાઈ માટે પાણીની સતત માંગણી કરી રહ્યાં છે.