Site icon Revoi.in

સાયટોમેગાલો નામના વાયરસથી 5 લોકો સંક્રમિત, મુશ્કેલીઓ વધવાની સંભાવના

Social Share

દિલ્હી : ફંગસ બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓમાં સાયટોમેગાલો વાયરસ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં દેશના પ્રથમ પાંચ દર્દીઓ અહીં દાખલ થયા છે. કોરોનાની સારવાર લીધા પછી આ દર્દીઓને પેટમાં દુખાવો અને મળમાં લોહી નીકળવાની સમસ્યા માટે દાખલ કરવામાં આવ્યા છે. આમાંના એક દર્દીનું તો મોત પણ નિપજ્યું છે.

ડોકટરોના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણને લીધે જે દર્દીઓની પ્રતિરોધક ક્ષમતા ઓછી છે, તેમાં ફંગસના ઘણા કેસો અત્યાર સુધી જોવા મળ્યા છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે, પરંતુ હવે ઓછી પ્રતિરોધક ક્ષમતા વાળા દર્દીઓમાં સીએમવી સંક્રમણ પણ જોવા મળે છે. જો કે, આના કારણો હજી જાણવા મળ્યા નથી.

હોસ્પિટલના સિનિયર ડો.અનીલ અરોરાએ જણાવ્યું હતું કે, બીજી લહેર દરમિયાન સંક્રમિતોમાં અચાનક સીએમવીના કેસો દેખાવા લાગ્યા છે. આ સ્થિતિ ફક્ત છેલ્લા 45 દિવસમાં જ સામે આવી છે. 20 થી 30 દિવસની સારવાર પછી દર્દીઓ પેટમાં દુખાવો અને મળમાંથી રક્તસ્રાવની સમસ્યાઓ સાથે પહોંચ્યા છે. આવા પાંચ દર્દીઓમાં હાલમાં કોરોનાનું સંકેત નથી. તેમણે કહ્યું કે જ્યારે આ દર્દીઓ અંગે તબીબી અધ્યયનને જોયા તો દેશમાં હજી સુધી આવા કોઈ કેસ નોંધાયા નથી. આ તમામ કેસ દિલ્હી અને તેની આસપાસના રાજ્યના છે.