Site icon Revoi.in

થરાના લૂંટ અને અપહરણ કેસમાં 5 શખસો પકડાયા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠાના થરામાં ભાવેશ નામના એક યુવાનનું અપહરણ કરીને 5 લાખની લૂંટ કરીને આરોપીઓ નાસી ગયા હતા. આ લૂંટના બનાવની ફરિયાદ નોંધાયા બાદ પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકામાં દબોચી લીધા છે. ફરિયાદીના મિત્રએ જ સસ્તામાં સોનુ આપવાનું કહી મિત્ર ભાવેશનું અપહરણ કર્યું હતું.

આ બનાવની વિગતો એવી હતી કે,  બનાસકાંઠાના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે ફરિયાદી ભાવેશને 100 ગ્રામ સોનાનું બિસ્કીટ 5 લાખમાં લાવી આપવાની લાલચ આપી હતી. આમ મિત્રની લાલચમાં આવી સોનું ખરીદવા ભાવેશ તૈયાર થઈ ગયો હતો.  અને પાંચ લાખ રૂપિયા લઇ ફરિયાદી ભાવેશ તેના મિત્ર પાસે સોનું ખરીદવા નક્કી કરેલા સ્થળે પહોંચી ગયો હતો. દરમિયાન  સોનું આપવા આવેલા કિરણ સહીતના શખસોએ ભાવેશનું અપહરણ કર્યુ હતું. કારમાં બેસાડી અજાણ્યા રસ્તાઓ પર લઇ ગયા હતા.  બાદમાં ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લઈ છોડી દીધો હતો.

આ સમગ્ર બનાવ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પરિણામે પોલીસે અપહરણ કરી લૂંટ કરનારા શખસોને પકડવા તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે ફરિયાદી ભાવેશના મિત્ર સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. સાથે 4.97 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી ભાવેશ રબારીને તેના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે 100 ગ્રામ સોનાનું બિસ્કીટ 5 લાખમાં લાવી આપવાની લાલચ આપી હતી. અને મિત્રની લાલચમાં લલચાઈ ભાવેશ સસ્તા ભાવે સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો. જો કે કિરણે ભાવેશને કહ્યું કે તારે સોનું લેવા આવવાનું નથી અમે તને થરા આપવા આવીએ છીએ. કિરણ ભાવેશને સોનુ આપવા ચાર મિત્રોને સાથે પહોંચ્યો હતો. અને પાંચ લાખ રૂપિયા લઇ સોનુ ખરીદવા ભાવેશ  મિત્ર પર વિશ્વાસ કરી પહોંચી ગયો હતો. પરંતુ સોનુ આપવા આવેલા કિરણ સહીતના શખસોએ ભાવેશનું ગાડીમાં અપહરણ કરી લીધુ હતું અને ભાવેશને ધમકી આપી ગાડીમાં બેસાડી તેનું અપહરણ કરી આ શખ્સઓ ભાવેશને અજાણ્યા રસ્તાઓ પર લઇ ગયા અને તે બાદ ભાવેશ પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લીધા હતા, અને તે બાદ ભાવેશને ગાડીમાંથી ફેંકી દીધો હતો. ભાવેશ  સિહોરી પોલીસ મથકે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ શિહોરી પોલીસને કરતા શિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભાવેશનું અપહરણ કરી લૂંટ કરનારા શખસોને દબોચી લીધા હતા.  ભાવેશના મિત્ર પાલનપુરના કિરણ ઠાકોર,સહીત અપહરણ અને લૂંટ આચારનાર અમદાવાદ વસ્ત્રાલના પાર્થ શૈલેષ વાઘેલા, અમદાવાદના અર્જુન રણજીતસિંહ ઝાલા, અમદાવાદના પૃથ્વીરાજ ઘનશ્યામભાઈ મસાણી (દરબાર),પાલનપુરના વિકાશ મહેશ મકવાણાને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 4.97 લાખનો મુદ્દામાલ સહીત લૂંટમાં વપરાયેલી કાર તેમજ મોબાઈલ રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.