Site icon Revoi.in

ક્ષત્રિય સમાજની 5 મહિલાઓને બોપલમાં નજર કેદ કર્યા બાદ પોલીસ તેમના વતનમાં મુકી આવી

Social Share

અમદાવાદઃ  રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની જીદ પકડી છે. જ્યારે ભાજપ ક્ષત્રિય સમાજની આ માગણી સ્વીકારવા માગતું નથી. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવાનું એલાન આપ્યા બાદ  પાંચ જેટલી ક્ષત્રિય મહિલાઓ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવી હતી. પોલીસને જાણ થતાં ક્ષત્રિય મહિલાઓને બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવી હતી. પાંચેય મહિલાઓ બોપલથી કમલમ જવાની હતી, પરંતુ તેમને પોલીસ દ્વારા ઘરની અંદર જ નજરકેદ કરી લેવામાં આવી હતી. આખો દિવસ નજરકેદ રાખ્યા બાદ શનિવારે સાંજે પોલીસ તેમના ઘરે મુકવા માટે ગઈ હતી.

રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષાગ્નિ ઠંડો પડતો નથી. દરમિયાન ભાજપના કાર્યાલય કમલમ્ સામે જૌહર કરવાની ચીમકી આપ્યા બાદ પાંચ જેટલી ક્ષત્રિય સમાજની મહિલાઓ અમદાવાદ આવીને બોપલ ખાતેના એક નિવાસસ્થાને રોકાઈ હતા. મહિલા પોલીસે પાંચેય બહેનોને નજરકેદ કરી હતી. દરમિયાન પાંચેય બહેનોને બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણીસેનાના પ્રમુખ વિરભદ્રસિંહની પોલીસે અટકાયત કરી હતી. મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવતા ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું. મહિપાલસિંહની અટકાયત કરી શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. અહીં ક્ષત્રિયો ભેગા થવા લાગ્યા હતા.

પોલીસે બોપલના નિવાસસ્થાનેથી પાંચેય ક્ષત્રિય મહિલાઓને તેમના ઘરે મોકલવામાં આવી છે. 2 મહિલા અમદાવાદ, 1 મહિલા સુરેન્દ્રનગર તેમજ 2 મહિલાઓને જામનગર મુકવા માટે પોલીસ ખૂદ ગઈ હતી. તેમજ મહિપાલસિંહને હેડ ક્વાર્ટરથી પોલીસની ગાડીમાં અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. જોકે જાણવા મળેલી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિપાલસિંહને લઈને રાજસ્થાન જવા રવાના થઈ હતી.

શહેરના બોપલ ચાર રસ્તા પર ક્ષત્રિયોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. પોલીસે મીડિયાને પણ કવરેજ કરતા રોક્યા હતા. બોપલ તરફના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્ષત્રિય સમાજની 5 બહેનોએ કમલમ ખાતે શનિવારે સાંજે ચાર વાગ્યે જૌહર કરવાની જાહેરાત કરી હતી. તે પહેલા જ બોપલના જે નિવાસસ્થાનમાં મહિલાઓ હતી ત્યાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ, સરખેજ પોલીસ, મહિલા પોલીસ કર્મીઓ સહિત 50થી વધુ પોલીસ ખડકી દેવામાં આવી હતી. પોલીસ સિવાય કોઈપણ વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો ન હતો. ઘરમાં રહેલી મહિલાઓને બહાર નીકળવા દેવામાં ન આવતા પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. તેમજ કરણીસેનાના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો હેડ ક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. મહિપાલસિંહની અટકાયત અંગે પોલીસ સાથે ચર્ચા કરી રહ્યા હતી. ભીડ વધતા હેડ ક્વાર્ટર ખાતે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો.