Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત, બીએસએફના અધિકારી શહીદ

Social Share

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની લાઈન ઓફ કંટ્રોલ ખાતે ફોરવર્ડ પોસ્ટો અને ગામડાંઓને નિશાન બનાવીને સોમવારે પાકિસ્તાની સેના દ્વારા ત્રીજી વખત વગર કોઈ ઉશ્કેરણીએ શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક પાંચ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. બીએસએફના એક અધિકારી પણ સારવાર દરમિયાન શહીદ થયા છે.

બીએસએફના પાંચ જવાનો ઈજાગ્રસ્ત થયા છે અને નવ સિવિલિયન્સ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીએસએફના ઘાયલ જવાનોમાંથી એકે અંતિમ શ્વાસ લીધો હતો.

પુંછ જિલ્લાના મનકોટ અને ક્રૃષ્ણાઘાટી સેક્ટરોમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ફાયરિંગ સામે ભારતીય સેના દ્વારા પણ વળતી કાર્યવાહી કરવામાં આવી છે.

પંછ જિલ્લાના મનકોટ, કૃષ્ણાઘાટી અને કેરની સેક્ટરોમાં પાકિસ્તાન દ્વારા બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મોર્ટાર શેલિંગ અને નાના હથિયારો દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આયું હતું. અહેવાલના લખવા સુધીમાં બંને તરફ ફાયરિંગ ચાલુ હતું. ભારતીય સેનાએ પણ મજબૂત અને અસરકારક વળતી કાર્યવાહી કરી છે.

જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલામાં પુલવામા નજીક સીઆરપીએફના 44 જવાનોના શહીદ થયા બાદ 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાની બાલાકોટ ખાતેની એરસ્ટ્રાઈક બાદ એલઓસી અને જમ્મુ-કાશ્મીરની બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓમાં વધારો થયો છે.

પાકિસ્તાની સેના દ્વારા આ વર્ષે એલઓસી પર 110થી વધુ વખત શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો છે. 2018માં ગત પંદર વર્ષમાં સૌથી વધુ વખત 2936 વખત પાકિસ્તાની સેનાએ શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એલઓસી પર 2003થી શસ્ત્રવિરામના કરાર થયેલા છે. પરંતુ પાકિસ્તાનની હરકતોને કારણે હવે આવા કોઈપણ કરારનો અર્થ સરતો દેખાતો નથી.