રાજકોટઃ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પરના BRTS રૂટ પર ઘોડેસવારી કરીને સ્ટંટ કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ઘોડા સાથે યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 5 યુવકોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર બીઆરટીએસના કોરીડોરમાં ઘોડા પર બેસીને સ્ટંટ કરતા યુવાનોનો વિડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં છ ઘોડા ઉપર છ ઘોડેસવાર યુવાનો હતા. આ યુવાનોએ વટ પાડવા માટે વિડિયો વાયરલ કર્યો હતો. વિડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને ગાંધીગ્રામ પોલીસે ઘોડેસવાર સ્ટંટ કરતા આરોપી રાજ શિયાર, કેતન સોનારા, સુરેશ ડાંગર, જનક ડંબર, અને રાજેશ હુંબલની ધરપકડ કરી હતી. જયારે હજુ એક યુવકની ધરપકડ કરવાની બાકી છે. આ યુવાનોએ ઘોડા ઉપર ઉભા રહી જોખમી કરતબો કરતા પણ વીડિયોમાં કરતા હતા. જેમાં બે તો યુવકો ઘોડા પર ઉભા રહી કરી ઘોડેસવારી કરતા જોવા મળે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં ચાર જેટલા ઘોડે સવારોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હાલ આ છ પૈકી ચાર જેટલા ઘોડેસવારોને ઝડપી પાડયા છે. ઘોડેસવાર યુવાનોએ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અયોધ્યા ચોકથી શીતલ પાર્ક તરફ જતાં બીઆરટીએસ રૂટ પર ઘોડે સવારી કરતા હોય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગાંધીગ્રામ પોલીસની નજરમાં આવ્યો હતો.