અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. કોરોનાના આવા કપરા કાળમાં લોકોને પોતાની અને પોતાના પરિવારની ચિંતા સતાવા લાગતા હવે લોકો સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરવા લાગ્યા છે. મહત્વના કામ વિના લોકો ઘરની બહાર પણ નિકળતા નથી. લોકો જાતે જ ઉકાળા અને રોગપ્રતિકારની શક્તિ વધારતી દવાઓ લઈ રહ્યા છે એટલુજ નહીં ઓક્સિજનનું લેવલ માપવા લોકો ઓક્સિમીટર વસાવી રહ્યા છે. કેટલું લેવલ છે તેનું જાતે જ નિરિક્ષણ કરી રહ્યા છે. એટલે ઓક્સિમીટરની માગમાં જબ્બર વધારો થયો છે.
કોરોનાના દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. જેના પગલે હાલ માર્કેટમાં ઓક્સિમીટરની માંગમાં 40થી 50 ટકાનો વધારો થયો છે. સાથેસાથે કોરોનાની સારવારમાં કારગર નીવડતી દવાઓની માંગમાં પણ 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. પરંતુ જે પ્રકારે કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓની માંગ વધી છે. કેમિસ્ટ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનામાં ઓક્સિજનની જરૂરિયાતના દર્દીઓ વધતા ઓક્સિજન કિટની માર્કેટમાં અછત સર્જાઈ છે. જે પ્રમાણેની માર્કેટમાં ડીમાન્ડ છે તેના કારણે બજારમાં ઓક્સિજન કીટ મળી રહી નથી. ઓક્સિજનની બોટલ સાથે તેના ઉપયોગ માટેની ઓક્સિજ કિટમાં મીટર ,માસ્ક અને ટ્યૂબ આવે છે. હાલ આ ઓક્સિજન કીટની અછત સર્જાઈ છે. આ કીટ દિલ્હીથી આવતી હોવાથી સમય લાગે છે. આ ઉપરાંત કોરોનાના કારણે લોકોમાં પોતાનું ઓક્સિજન લેવલ ચેક કરવાની જાગૃતિ જરૂરથી આવી છે. જેના કારણે માર્કેટમાં હાલ ઑક્સિ મીટરની માંગમાં 40થી 50 ટકાનો વધારો થયો છે.
કોરોનાના કેસ ડાઉન હતા તે સમયે ઓક્સીમીટરના ભાવ 450 રૂપિયાથી લઈને 500 સુધીના હતા પરંતુ હાલ કોરોનાના કેસ વધતા 1200 રૂપિયા સુધીના છે. કેટલીક કંપનીઓ ઓનલાઇન 2500થી 4 હજારમાં પણ વેચી રહી છે. આ ઓક્સીમીટર ચાઇના અને જર્મનીથી આવે છે. સર્જીકલ વસ્તુઓમાં ભાવ નિયંત્રણ જેવું નથી એટલે અલગ અલગ કિંમતે વેચાણ થઈ રહ્યું છે. તેવી જ રીતે કોરોનાના કેસ વધતા ફેબીફ્લૂ જેવી દવાઓ માર્કેટમાં આવતા જ વેચાણ થઈ જાય છે. લોકો દવાઓનો બિનજરૂરી સ્ટોક કરી રહ્યા છે જેના કારણે દવાઓની અછત સર્જાઈ રહી છે. આ પ્રકારે ચાલ્યું તો એકાદ બે દિવસમાં આ દવાઓની પણ અછત માર્કેટમાં ઉભી થઇ શકે છે