અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટેના કોરિડોરનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રેલવેના મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ધ્યાન આપી રહ્યા છે. અને પીએમઓને રોજબરોજના કામનો રિપાર્ટ પણ મોકલવામાં આવી રહ્યો છે. અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ (બુલેટ ટ્રેન) રેલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપે ગુજરાતમાં 50.16 કિલોમીટર રૂટ પર બ્રિજ (વાયડક્ટ)નું કામ પૂરું થઈ ગયું છે. આ વાયડક્ટ પર ફુલ સ્પાન અને ગર્ડર પણ લોંચ કરાયા છે અને 180 કિલોમીટરના રૂટ પર પિલર પણ તૈયાર કરી દેવાયા છે. આ પ્રોજેક્ટ તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 50 કિમીના વાયડક્ટમાં વડોદરા પાસે 9 કિલોમીટર તેમજ અન્ય વિસ્તારમાં 41 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. એજરીતે 285 કિમી લાંબા વિસ્તારમાંથી 216 કિમી વિસ્તારમાં પિલરના પાયાનું ફાઉન્ડેશન તૈયાર કરી દેવાયું છે. હાલ સાબરમતીથી વાપી સુધીના રૂટ પર આવતા 8 સ્ટેશનો તૈયાર કરવાનું કામ ચાલુ છે. બુલેટ ટ્રેનનું નડીયાદ આણંદ પહેલું સ્ટેશન છે જ્યાં કોન્કોર એરિયા માટે 425 મીટરનો પહેલો માળ તૈયાર થઈ ગયો છે. પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કુલ 99 ટકા જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. જેમાં ગુજરાતમાં લગભગ 99 ટકા, દાદરા નગર હવેલી વિસ્તારમાં 100 ટકા તેમજ મહારાષ્ટ્રમાં 99.75 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન માટે 8 સ્ટેશનો ઊભા કરાશે. જેમાં સાબરમતીથી વાપી સુધી 8 સ્ટેશનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે રેલવેના અધિકારીઓ વિશેષ ધ્યાન રાખી રહ્યા છે.