અમદાવાદઃ રાજ્ય વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે નેમ વ્યક્ત કરી કે, યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું જરૂરી છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 2 હજાર 659 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકારે છેલ્લા ૫ વર્ષમાં ૧૫ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડી છે.
આ ઉપરાંત ડ્રોન પાયલટ ટ્રેનિંગને વેગ આપવા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન ખાતે ડ્રોન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનીંગ સેન્ટર સ્થપાશે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ વર્ષ 2024-25 માં નવા 100 કેન્દ્રો શરૂ કરાશે. શ્રમિકોને પ્રાથમિક સારવાર પહોંચાડવા 50 નવા ધનવંતરી રથ શરૂ કરાશે. ગુજરાત વિધાનસભા ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણીઓ પણ પસાર કરવામાં આવી છે.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રાજ્યની ઉધ્યોગ નીતી ભવિષ્યના ગુજરાતની કલ્પના અને ગુજરાત તરફ લોકોની આશા-આકાંક્ષાઓને નવી દિશા આપનારી બની રહેશે તેમ જણાવ્યું હતું. ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે અને દેશના ઉત્પાદનમાં 18 ટકાથી વધુ હિસ્સો ગુજરાત ધરાવે છે.