હિંમતનગરઃ રાજ્યમાં ખેડુતો કાળી મહેનત કરીને લીલા શાકભાજીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવતા હોય છે. જ્યારે ખેડુતો લીલા શાકભાજી માર્કેટમાં વેચવા જાય ત્યારે પુરતા ભાવ મળતા નથી. બીજીબાજુ ગ્રાહકોને સસ્તા ભાવે શાકભાજી મળતું નથી, વચ્ચે દલાલો મોટાભાગને નફો લઈ લેતા હોય છે. એટલે વચેટિયાઓને લીધે ખેડુતો અને ગ્રાહકોનો મરો થતો હોય છે. હાલ ટમેટાંના ભાવ 20 કિલોના ખેડુતોને માત્ર રૂપિયા 50નો ભાવ મળી રહ્યો છે. બીજી બાજુ ગ્રાહકોને પાંચ ગણો ભાવ ચૂકવવો પડી રહ્યો છે. એટલે વચેટિયાઓ ઘૂમ નફો કમાઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ખેતી કરીને જીવન નિર્વાહ કરનારા ખેડૂતોને રડવાનો વારો આવી રહ્યો છે. અનેક પ્રકારની ખેતી કર્યા બાદ ખેડૂતોની મુશ્કેલી એ છે કે તેઓને પૂરતા ભાવ મળી રહ્યા નથી. કપાસની ખેતી બાદ હવે ટામેટાની ખેતી કરનારા ખેડૂતો રડી રહ્યાં છે. આ ખેતી કરનારા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રડવાનો વારો આવ્યો છે. ટામેટાના મણના ભાવ સીધા 50 રૂપિયે પહોંચતા ખેડૂતોને કરોડનો ફટકો પડ્યો છે. હાલ માર્કેટમાં ટામેટા 5 રૂપિયાથી લઈને 10 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. પરંતું ખેડૂતો માટે આ ભાવ બરબાદી છે. ગુજરાતમા ટામેટાંના ભાવ ગગડ્યા છે. મણનો ભાવ માત્ર રૂા.૫૦ પહોંચતા ખેડૂતોની કફોડી દશા થઈ ગઈ છે. ખેડૂતોને પાકની પડતર કિંમત પણ મળતી નથી અને નીચા ભાવે ટામેટા વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતો હવે ટેકાના ભાવે ટામેટાની ખરીદી કરવા માંગ કરી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 1.84 લાખ હેક્ટરમાં ટામેટાનું વાવેતર થાય છે. હાલમાં ખેડૂતો પડતર કિંમત કરતાં નીચા ભાવે ટામેટા વેચવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક હેક્ટરમાં 35-37 ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. સિઝનની શરૂઆતમાં ટામેટાના સારા ભાવ મળ્યા હતાં. મણ ટામેટાનો રૂ 450નો ભાવ મળતો હતો પણ અચાનક ભાવ ગગડતા ખેડૂતોની દશા કફોડી બની છે. આઠેક મહિના પહેલા છૂટક બજારમાં કિલો ટામેટાનો ભાવ રૂા.100 સુધી પહોંચ્યો હતો. ત્યારે ખેડૂતો ખુશ થયા હતા. પરંતુ હાલ શિયાળામાં બજારમાં રૂ.15થી 20ના કિલોના ભાવે ટામેટા મળી રહ્યા છે, જ્યારે ખેડૂતોએ માત્ર રૂા.2થી3ના ભાવે કિલો ટમેટા વેચવા પડે છે. અને પુરતી કિંમત મળતી નથી. ખેડૂતોનું કહેવું છે કે, માર્કેટમાં ટામેટાના ભાવ પર નિયંત્રણ નથી. વચેટિયા વધુ કમિશન મેળવે છે, જેથી ગ્રાહક સુધી પહોંચતા ટામેટા સહિત અન્ય શાકભાજી મોંધી થઈ જાય છે. આજે ટામેટાના એક બિયારણની એક પડીકાનો ભાવ 1300 રૂપિયા છે. આમ હાલમાં બિયારણન ખર્ચ પણ નીકળે તેમ નથી. અમારો ખેતીનો ખર્ચ પણ નીકળતો નથી.
રાજ્યમાં ત્રણેય સિઝનમાં ટામેટાનું ઉત્પાદન થાય છે. માત્ર શિયાળામાં જ 15 લાખ ટન ટામેટાંનુ ઉત્પાદન થાય છે. ખેડૂતો કહે છે કે, હાલ એ એક ટન ટામેટાનો ભાવ રૂા. 3 હજાર મળે છે જે વાસ્તવમાં રૂા.10 હજાર મળવો જોઈએ. સરકારે ટેકાના ભાવે ટામેટાની ખરીદી કરવી જોઇએ. ઓછા ભાવ મળતા ખેડૂતોને રૂા.35 કરોડનો ફટકો પડ્યો છે. છોટા ઉદેપુરના નસવાડી,સંખેડા અને કવાંટ સહિતના વિસ્તારમાં તો ખેડૂતો મોટી સંખ્યામાં ટામેટાનું ઉત્પાદન કરે છે.