Site icon Revoi.in

મોરબીના સિરામિક ઉદ્યોગના ઉત્પાદનમાં 50 ટકા કાપઃ ઉદ્યોગકારો હવે તેજીની રાહ જોઈ રહ્યા છે

Social Share

મોરબી :  કોરોનાને કારણે અનેક ઉદ્યોગ-ધંધાને અગણિત નુકશાન થયું છે. જેમાં મોરબીનો સીરામિક ઉદ્યોગ પણ બાકાત નથી આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉત્પાદન પર માઠી અસર થઇ છે. મે મહિનાના બીજા અઠવાડિયાથી ઉત્પાદન ઘટવાનું શરું થયું અને ધીરે ઘીરે સરેરાશ 50 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. ઘરેલુ બજારમાં ઠેર ઠેર લોકડાઉનની સ્થિતિથી માગમાં કાપ આવતા ઉત્પાદન ઘટયું હતું. અલબત્ત નિકાસને અસર નથી. જોકે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. બજારો પણ અનલોક બની ગઈ છે ત્યારે સિરામિક ઉદ્યોગમાં તેજી આવશે તેવી ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે.

સિરામિક એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા એક મહિનાથી ઉત્પાદન ઓછું થઇ ગયું છે. વોલટાઇલ્સ, વિટ્રીફાઇડ અને અન્ય પ્રોડક્ટસ એમ એકઠું કરીએ તો સરેરાશ 50 ટકા જેટલું ઉત્પાદન કપાયું છે. નિકાસ બજારમાં માગ યથાવત છે પરંતુ ગુજરાત સહિત બીજા રાજ્યોમાં પણ મહિના કરતા વધારે સમયથી લોકડાઉન આવી રહ્યું હતું એટલે સ્થાનિક માગ ઘટી ગઇ છે. બેકલોગ ન સર્જાય એ માટે ઉત્પાદન ઓછું કરી દેવું પડયું છે. વોલટાઇલ્સ ઉત્પાદકોને વધારે અસર થઇ છે. વિટ્રીફાઇડના ઉત્પાદનને બહુ ઓછી અસર થઇ છે. વોલટાઇલ્સની 500 જેટલી ફેક્ટરીઓ મોરબી અને આસપાસમાં છે. એમાં 200 ફેક્ટરીઓમાં ઉત્પાદન કાપ જ નહીં ફેક્ટરી પણ બંધ કરી દેવી પડી છે. વિટ્રીફાઇડનું ઉત્પાદન કરનારી 350 જેટલી ફેક્ટરીઓ છે. 100 જેટલી ફેક્ટરીઓ સ્પાર્ટેક બનાવનારી છે. આમ કુલ 950 જેટલી ફેક્ટરીઓ મોરબીમાં છે. એમાં બધે 20-25 ટકા ઉત્પાદન ઘટ માગના અભાવે આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  200 ફેક્ટરીઓ’ સંપૂર્ણ બંધ કરવી પડી છે. એ સિવાય જે ચાલુ છે ત્યાં પણ 20-25 ટકા ઉત્પાદન કાપ કરવું પડયું છે. આમ સરેરાશ 40-50 ટકા જેટલો ઉત્પાદન કાપ આવી ગયો છે. હવે અનલોકની પ્રક્રિયા શરુ થઇ છે પણ તત્કાળ માગમાં વધારો થશે નહીં. હજુ આઠ દસ દિવસ સુધી રાહ જોવી પડે તેમ છે. વાંકાનેર વઘાસિયાથી શરુ કરીને પીપળી સુધી શરુ કરીને સિરામિક ઉદ્યોગ, પેપર મિલ ઉદ્યોગ, પ્રે ડાય, બોક્સ, પાકિંગ, કાચો માલ સપ્લાયર વગેરેમાં કામ કરનારા બધા મળીને કુલ 9થી 10 લાખ જેટલા મજૂરો છે. એમાંથી 15-20 ટકા મજૂરો વતન જતા રહ્યા છે. એપ્રિલ મહિનામાં મુંબઇમાંથી મજૂરોની વાપસી થવા લાગતા અહીંના મજૂરોમાં પણ ભય પેઠી ગયો હતો. એ કારણે થોડાં વતન ચાલ્યા ગયા હતા. જોકે સામે ઉત્પાદન ઓછું થતા મજૂરોની અછત વર્તાતી નથી.