50% લોકો નથી પહેરતા માસ્ક, સ્વાસ્થ્ય મંત્રાલયના અભ્યાસમાં થયો ખુલાસો
દિલ્લી: કોરોનાવાયરસને લઈને લોકો કેટલા સતર્ક છે અને કેટલા લોકો નિયમોનું પાલન કરે છે તેને લઈને અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું છે કે દેશમાં કોરોનાવાયરસના કહેર વચ્ચે પણ 50 ટકા લોકો એવા છે જે માસ્ક પહેરતા નથી.
માસ્ક લગાવનાર લોકોને લઈને થયેલા અભ્યાસમાં તે પણ જાણવા મળ્યું છે કે 64 ટકા લોકો એવા છે જે માસ્કથી પોતાનું મોંઢુ ઢાંકે છે પણ નાકને નહી. સરકાર દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે અંદાજે અઢી મહિના સુધી કોરોનાવાયરસના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે અને હવે તેના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 મે થી 29 એપ્રિલ સુધી એવા જિલ્લાની સંખ્યા 210 હતી જ્યાં સંક્રમણના કેસ ઓછા આવી રહ્યા હતા, પણ 13થી 19 મે ની વચ્ચે એવા 303 જિલ્લા થઈ ગયા હતા જ્યાં કેસ વધારે આવી રહ્યા હતા. સરકાર દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે સાત રાજ્યો કે જ્યાં સંક્રમણના કેસનો દર 25 ટકાથી વધુ છે અને 22 રાજ્યોમાં આ 15 ટકા છે.
જો કે કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં 19 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન આપવામાં આવે છે.