Site icon Revoi.in

ગુજરાતમાં લોકોને હાર્ટ એટેકથી બચાવવા 50 હજાર પોલીસ જવાનોને CPR તાલીમ અપાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં કોરોનાકાળ બાદ હાર્ટએટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. યુવાનો પણ હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટએટેકથી દર્દીને ત્વરિત પ્રાથમિક સારવારથી બચાવી લેવા પ્રાથમિક નોલેજ હોવું જરૂરી છે. ત્યારે રાજ્યના 50,000 પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મોનરી રિસસાઈટેશન (સીપીઆર) ટ્રેનિંગથી સજ્જ  કરાશે. આગામી જૂન મહિનામાં એક સાથે 50 હજાર પોલીસ જવાનોને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ગુજરાત પોલીસના નામે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં કીર્તિમાન નોંધાશે. આ કાર્યક્રમ રાજ્યની 42 સરકારી હોસ્પિટલોમાં યોજાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત પોલીસના 50,000 જવાનોને શહેર કે જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં અનુભવી તબીબો દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવશે. કોવિડના જીવલેણ રોગચાળા બાદ ક્રિકેટ રમતા, ડાન્સ કરતા કે અન્ય રીતે વધી રહેલા હાર્ટએટેકના બનાવોમાં તાત્કાલિક સારવાર આપવા આ અભિયાનની શરૂઆત કરાશે. સતત રોડ પર ફરજ બજાવતી પોલીસને પણ આ ટ્રેનિંગ અપાતાં લોકો માટે પોલીસ ઉપયોગી બનશે. સીપીઆર એક જીવ બચાવનારી ઈમરજન્સી પ્રક્રિયા છે. પોસ્ટ કોવિડ બાદ લોકોમાં હૃદય રોગનું પ્રમાણ વધતાં પ્રદેશ ભાજપ ડૉક્ટર સેલ દ્વારા ગત બે એપ્રિલથી રાજ્યની 38 કોલેજોમાં સીપીઆર ટ્રેનિંગનું અભિયાન શરૂ કરાયું હતું. અંદાજે 1200 જેટલા તબીબોએ ભાજપના કાર્યકરોને આ તાલીમ આપી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ  સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. એક સાથે 50 હજાર પોલીસ જવાનો-અધિકારીઓને આ ટ્રેનિંગ અનુભવી તબીબ દ્વારા અપાશે. આ કાર્યક્રમને લઈને અત્યારે મિટિંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. પહેલાં આ કાર્યક્રમ 21 મેએ યોજાવાનો હતો પરંતુ તે શક્ય ન બનતાં હવે તા. 28 મેનો દિવસ નિર્ધારિત કરાયો હતો. જો કે આ દિવસે આઈપીએલનો ફાઈનલ મુકાબલો હોવાને કારણે પોલીસ બંદોબસ્તને ધ્યાનમાં રાખી હવે જૂન મહિનામાં આ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. બીજી બાજુ આ કેમ્પ સવારથી સાંજ સુધી યોજાશે જેમાં આઈટી અને તબીબી ક્ષેત્રના જાણકાર લોકો હાજર રહેશે. આ બાબતનું પ્રેઝન્ટેશન પણ થશે અને પોલીસને પેમ્ફલેટ પણ અપાશે જેથી પોલીસ આ ટ્રેનિંગ ભૂલી ન જાય અને જરૂર પડ્યે તમામ બાબતો યાદ રાખી શકે.