Site icon Revoi.in

અમરનાથ યાત્રામાં 50 હજાર સુરક્ષા જવાનો તૈનાત રહેશે, ડ્રોનથી સતત નિરીક્ષણ કરાશે

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત આરંભી છે. દરમિયાન આગામી તા. 30મી જૂનથી વિશ્વપ્રસિદ્ધ અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વહીવટી તંત્ર પણ વધારે સક્રીય બન્યું છે. તેમજ ભક્તોની સુરક્ષા માટે 50 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. આ વર્ષે યાત્રામાં અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરશે તેવી શક્યતાઓ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરનાથ યાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષે અમરનાથ યાત્રા માટે ભગવતી નગર આધાર શિબિરથી પવિત્ર ગૂફા માટે 28મી જૂને સવારે 4 વાગ્યાથી પહેલો જથ્થો રવાના થશે. આ માટે સુરક્ષા વ્યવસ્થાને અંતિમરૂપ આપી દેવાયું છે. યાત્રા માટે લખનપુરથી લઈને પવિત્ર ગુફા સુધી 50 હજારથી વધુ જવાનોને તૈનાત કરાયા છે. પહેલી વખત યાત્રાના બધા જ શિબિરો પર ડ્રોનથી નજર રખાશે. જવાનોની તૈનાતી સાથે ડ્રોનથી નિરીક્ષણ તેમજ આરએફઆઈડી ચીપ પણ શ્રદ્ધાળુઓની ત્રી-સ્તરીય સુરક્ષાનો ભાગ હશે. યાત્રા અગાઉ ભગવતી નગરના આધાર શિબિરને સીલ કરી દેવાયું છે. હવે તેમાં માત્ર સુરક્ષા પાસ ધરાવનારા લોકોને જ પ્રવેશ અપાશે.

આર્મીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યાત્રાને પગલે સુરક્ષા કર્મચારીઓની તૈનાતી ત્રણથી ચાર ગણી વધારી દેવાઈ છે. આ પહેલાં 2019માં કેન્દ્રે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દેવાના કારણે અમરનાથ યાત્રાને અધવચ્ચે અટકાવી દેવી પડી હતી જ્યારે વર્ષ 2020 અને 2021માં કોરોના મહામારીના કારણે યાત્રા સ્થગિત કરાઈ હતી.