રાજકોટ: શહેરમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબોની ઘટ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સત્વરે તબીબોની ઘટ પુરવાની માગણા કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સિવિલ હોસ્પિટલની તબીબોની ખાલી જગ્યામાં ભરતી કરવાની માંગ કરી છે. જેમાં મહેકમ મુજબ 19 જગ્યા ડોકટરોની ખાલી છે. અલગ અલગ વિભાગમાં અંદાજિત 50 તબીબોની જગ્યા ખાલી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.સાથે જ કોરોના બેડ 510થી વધારવામાં આવે તેવી માંગ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ દાખલ થાય છે. લોકોને પૂરતી સુવિધા મળતી નથી. તંત્રની બેદરકારીઓ દૂર કરવા મ્યુ. કમિશ્નર અથવા તો કલેકટર દિવસમાં બે વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે તો સુધારો થશે. મેનેજમેન્ટ નો અભાવ હોવાને કારણે રેમડેસિવર ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો