અમદાવાદઃ ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન યાને એસટી નિગમ વર્ષોથી ખોટ કરી રહ્યું છે. રાજ્યના દરેક ગામોમાં એસટી બસની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજય એસટી નિગમમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. અને દિન-પ્રતિદિન એસટીની બસો અને બસ સ્ટેન્ડોને અદ્યતન બનાવવામાં આવી રહયા છે. આ ઉપરાંત દર વર્ષે એસટી નિગમ સતત નવી બસોનો ઉમેરો કરવામાં આવી રહયો છે. તેથી હવે લોકો વધુને વધુ એસટીની બસોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહયા છે. છતા એસટી તંત્રની ખોટમાં કોઇ ઘટાડો થયો નથી. વર્ષ 2022-23માં એસટી નિગમની ખોટ રૂપિયા 500 કરોડો પહોંચી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ જાહેર પરિવહન સેવા હેમોશા ખોટ જ કતરતા હોય છે. ગુજરાત એસટી નિગમ જયારથી અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી દર વર્ષે સતત ખોટ કરી રહયું છે. અને આ ક્રમ હજુ પણ જળવાઇ રહયો છે. ગત વર્ષે પણ એસટી નિગમે 500 કરોડની ખોટ કરી હતી. વર્ષ 2022-23ના એસટી નિગમએ રૂ.2728.62 કરોડની આવક મેળવી હતી. જોકે, તેની સામે એસટી તંત્રને રૂ. 3200 કરોડનો ખર્ચ થવા પામ્યો હતો. આમ, ગત વર્ષ પણ એસટી નિગમને રૂ.500 કરોડની ખોટ થઈ હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દરવર્ષની જેમ ગત વર્ષે પણ એસટી તંત્રએ ખોટની પરંપરા જાળવી રાખી હતી. વર્ષ 2014થી એસટી બસોના ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ડીઝલનો ભાવ જયારે 1 લીટરનો રૂ. 45 હતો અને હાલમાં રૂ.100 છે. છતા એસટી તંત્ર દ્વારા ભાડામાં કોઇ વધારો કરાયો નથી.જેના કારણે આ પબ્લિક સર્વિસનું નિગમ સતત ખોટ કરી રહયું છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, એસટી નિગમના ઉચ્ચ સતાવાળાઓ દ્વારા સરકારમાં અનેક વખત ભાડા વધારા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી સરકારે આ દરખાસ્ત સ્વીકારી નથી. તદઉપરાતં સરકાર દ્વારા વિવિધ મેળાવડાઓ અને સભાઓમાં લોકોને લઈ જવા માટે એસટી બસો ભાડે લેવામાં આવતા હોય છે. પણ સરકાર પાસે લાખો રૂપિયાની ભાડાની વસુલાત બાકી હોવાનું કહેવાય છે.