ગાંધીનગર: રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે તહેવારો માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રાબસ દોડાવવામાં આવતી હોય છે. રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. રક્ષાબંધનને લઈને ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરો અને નાના મોટા શહેરોમાં 500 જેટલી એસટીની એક્સ્ટ્રાબસો દોડાવવામાં આવશે. જે વિવિધ રૂટ્સ પર 2000થી વધુ ટ્રીપ લેશે. એક્સ્ટ્રાબસો તા. 28થી 9 સપ્ટેમ્બર સુધી દોડાવાશે. આ સાથે જો કોઈ ગ્રુપ ફરવા માટે બુકીંગ કરાવશે તો તે માટેની પણ સુવિધા GSRTC આપશે.
ગુજરાત એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધારાની બસોના સંચાલન થકી એસટી નિગમ અંદાજે 80 લાખથી વધુની આવકનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન 500 જેટલી વધારાની બસ થકી 2000 જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનાથી નિગમને 80 લાખની આવક થઈ હતી. મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જોવા મળતો હોય છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના-મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ. ટી બસનો ઉપયોગ કરતા હોય છે.
દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ 2023 બંનેના રોજ ઊજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વ પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવી એ માત્ર એક રિવાજ નથી પણ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતિક છે.