Site icon Revoi.in

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 500 માર્કશીટ પલળી ગઈ

Social Share

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ભારે વરસાદને લીધે એસ એસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં પાણી પડતા 500 જેટલી માર્કશીટ પલળી ગઈ હતી. જેથી કલાસરૂમ સીલ કરીને પંખા નીચે માર્કશીટ સૂકવવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી માર્કશીટ નહિ લઇ જનારા વિદ્યાર્થીઓની 500 માર્કશીટ પલળી છે.

વડોદરામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે એમ એસ યુનિ.માં ભારે ખાના ખરાબી સર્જાઇ છે. યુનિના કોમર્સ ફેકલ્ટીમાં ભૂખી કાંસના પાણીથી વ્યાપક નુકશાન થયું છે. કોમર્સ મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ભીજાયેલી માર્કશીટોને સૂકવવામાં આવી છે. કોઇ પણ વ્યક્તિ માર્કશીટ લઇ ના જાય તે માટે રૂમને સીલ કરી દેવાયો છે.

આ અંગે યુનિના કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો કહેવા મુજબ છેલ્લા 2 થી 3 વર્ષથી માર્કશીટ નહી લઇ જનારા વિદ્યાર્થીઓની માર્કશીટ તીજોરીમાં સાચવીને રખાઈ હતી. અંદાજીત 500 કરતાં વધારે માર્કશીટો પલળી ગઇ છે જોકે આ માર્કશીટને કોઇ પણ પ્રકારનું નુકશાન થાય તેમ નથી કારણ કે માર્કશીટ લેમીનેશન કરેલી હોવાથી તે ફાટી જાય તેવી શકયતાઓ નથી. કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની જૂની સપ્લીમેન્ટ્રી પણ પાણીના પગલે નાશ પામી છે.

આ ઉપરાંત કોમર્સ ફેકલ્ટીના ફર્નીચર સહિત ડોકયુમેન્ટને પણ ખાસ્સુ નુકશાન પહોંચ્યુ છે. કલાસરૂમની પાટલીઓને પણ વ્યાપક નુકશાન થયું હોવાથી પાટલીઓ બદલી પડે તેવી સ્થિતિ છે. બીબીએમાં પણ પાણીના કારણે ઓફીસના ડોકયુમેન્ટ પલળી ગયા છે. જેને સૂકવવાની કામગીરી કરાઇ રહી છે અને જે નકામા થઇ ગયા હોય તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમજ  ઇન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થી કે જેમના દ્વારા વિવિધ પ્રોજેકટ વર્ક-એસાઇમેન્ટ પલળી જતા કાઢી નાખવામાં આવ્યા છે. 2 ટેમ્પા ભરીને આ પ્રોજેકટ વર્ક કામના રહ્યા ના હોવાથી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.