અમદાવાદઃ આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં જણાવ્યું છે કે, ‘સબકા સાથ, સબ કા વિકાસ, સબકા પ્રયાસ’ના મંત્ર થકી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ-2007માં વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યારસુધીમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે સગવડો માટેના કામો થયા છે. વિકાસની અનેકવિધ સફળતા હાંસલ કરવા આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.22,026 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ આ સરકારે કરી છે.
આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આદિજાતિ વિભાગની અંદાજપત્રીય માંગણી પરની ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, રાજયમાં આદિવાસી સમાજની જનસંખ્યાની વાત કરીએ તો અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીમાં 14 જિલ્લાઓ, 53 જેટલા તાલુકાઓ, 5800 કરતાં વધારે ગામડાઓ, અને 1 કરોડ જેટલો આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરે છે. રાજય સરકારે પ્રિ મેટ્રીક સ્કોલર શીપ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના ધોરણ 1થી 10માં અભ્યાસ કરતાં અંદાજે 15 લાખ વિધાર્થીઓને રાજય સરકારની શિષ્યવૃત્તિ સહાય માટે રૂ.112.73 કરોડની જોગવાઈ કરી છે. અનુસૂચિત જનજાતિના ધો-1થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.900 ગણવેશ સહાય પેટે આપવામાં આવે છે.જેના માટે રૂ.120 કરોડની જોગવાઈ. અંદાજે 13 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સીધો લાભ થશે. ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી વિદ્યાસાધના યોજના સાયકલ ભેટ આપવામાં આવે છે. જેનાથી અંદાજે 38,900 કન્યાઓને સાયકલ ભેટનો લાભ મળશે. જેના માટે રૂ.20.50 કરોડની જોગવાઇ કરી છે.
મંત્રીએ ઉમેર્યું કે, આદિજાતિના બાળકોને ઉત્તમકક્ષાના આવાસીય વિદ્યાલયમાં ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમકક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવીને અન્ય સમાજની હરોળમાં બરાબરી કરી શકે તે માટે ટેલેન્ટ પુલ યોજના હેઠળ અંદાજે 2162 જેટલાં તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ આપવા માટે રૂ.13.70 કરોડ, આદિજાતિના 2 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે રૂ.584.20 કરોડની જોગવાઇ કરી છે.ઉચ્ચ અભ્યાસક્રમો ક્ષેત્રે ખાસ કરીને પી.જી.મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દી બનાવનાર વિદ્યાર્થીનીઓ પણ સહાય અમે કરીએ છીએ.