નોઈડાથી નવા 500 વેન્ટિલેટર લવાયાઃ વડોદરા અને ભાવનગરને અપાશે
વડોદરા : રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. મોટાભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓથી હાઉસફુલ છે. ઉપરાંત વેન્ટિલેટરની પણ એટલી જ જરૂરિયાત ઊભી થઈ છે.ત્યારે નોઇડાથી ગુજરાતમાં નવા 500 વેન્ટિલેટર આજે આવી પહોંચ્યા હતા. જે પૈકી 100 વેન્ટિલેટર વડોદરાની સયાજી હોસ્પિટલ ઉતારવામાં આવ્યા હતા. જ્યારે 100 વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને 300 નવા વેન્ટિલેટર રાજ્યનાં અન્ય શહેરો માટે ફાળવી દેવામાં આવશે. અમદાવાદ, જામનગર, ભાવનગર, રાજકોટ વડોદરાને નવા વેન્ટિલેટર ફાળવાશે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોનો કુલ આંકડો 39,347 પર પહોંચી ચુક્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 325 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 32,886 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 6136 એક્ટિવ કેસ પૈકી 432 દર્દીઓ ઓક્સિજન પર અને 269 દર્દી વેન્ટિલેટર પર છે. 5435 દર્દીઓની હાલત સ્થિર હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 39,347 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5904, પશ્ચિમ ઝોનમાં 7000, ઉત્તર ઝોમાં 7479, દક્ષિણ ઝોનમાં 7063, વડોદરા ગ્રામ્યમાં 11865 અને 36 કેસ બહારનાં શહેર અને રાજ્ય વિસ્તારમાં નોંધાયા છે.